<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

કલેકટરની ખાતરી બાદ વિંછીયામાં ધરણાનો સુખદ અંત

વિંછીયાના થોરીયાળી ગામે બનેલા હત્‍યાના બનાવ બાદ પરિવારજનોની માગણી સંતોષાતા આજે મળતદેહ સ્‍વીકાર્યોઃ આગેવાનોએ તંત્ર ઉપર યોગ્‍ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨: વિછીયાના થોરીયાળી ગામે પાંચ દિવસ પહેલા કોળી યુવકની હત્‍યાના બનેલા બનાવ બાદ યુવકના પરિવારજનો અને કોળી સમાજના લોકો દ્વારા ન્‍યાયની માગણી સાથે ધરણા અને મળતદેહ નહી સ્‍વીકારી ન્‍યાયની માંગ કરી હતી જેનો કાલે સાંજે સુખદ અંત આવતા તંત્રએ હાશકારો અનુભવ્‍યો હતો.

વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્‍યામભાઈ રાજપરાએ ગામના જ રબારી સમાજના લોકો સામે લેન્‍ડગ્રેબીનની અરજી કરી હતી તેનો ખાર રાખી આરોપીએ ઘનશ્‍યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બનાવ બાદ વિછીયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્‍કાલિક ધરપકડ થાય અને બીજી માગણીઓ સબબ કોળી સમાજના લોકો ધારણા પર બેસી ગયા હતા.

ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્‍કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્‍યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માગણી કરી હતી દિવસ દરમિયાન સમજાવટ ચાલી હતી પરંતુ સાંજે કલેક્‍ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્‍યાજબી માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા સાંજે આ બનાવનો સુખદ અંત આવ્‍યો હતો અને છેલ્લા ચાર દિવસથી હત્‍યાનો ભોગ બનનાર ઘનશ્‍યામભાઈ રોજાસરાના મળતદેહને પરિવારજનોએ સ્‍વીકારી આજે થોરીયાળી ગામે પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે અગ્નિસંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.

ગઈકાલે મરણ જનારના પત્‍ની હંસાબેન,પુત્રી શીતલબેન,વિલાસબેન, આરતીબેન અને નયનાબેનના કરૂણ રૂદને ભલભલાની આંખો ભીની કરી નાખી હતી.

આ બનાવ અંગે જસદણના પૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઈ ગોહિલે કાલે જણાવ્‍યું હતું કે તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિ આ બનાવમાં રાખવામાં આવી છે જો તંત્ર દ્વારા એક ને ગોળ અને એક ને ખોળની નીતિ ના રાખવામાં આવી હોત તો આ બનાવ બન્‍યો ન હોત મરણ જનાર ઘનશ્‍યામભાઈએ સરકારી જગ્‍યામાં મકાન બનાવ્‍યું હતું તે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અરજીબાદ તંત્રે દૂર કર્યું એ સરાહનીય છે પરંતુ આરોપી દ્વારા પણ એ જ જગ્‍યા પર દબાણ કરી મકાન બનાવી લેવામાં આવ્‍યા છે જેની અરજી ઘનશ્‍યામભાઈએ ત્રણ વર્ષ પહેલા કરી હોવા છતાં આરોપીઓનુ મકાન તંત્ર દ્વારા દૂર કરવામાં નથી આવ્‍યું તે કયાંનો ન્‍યાય.? તેમણે તંત્ર સામે ખુલ્લા અક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત ઠાકોર સેનાના જયેશ ઠાકોર ઠાકોર કોળી એકતા મિશનના રમેશભાઈ મેર, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયા, મુકેશભાઈ રાજપરા સહિતના આગેવાનોએ ન્‍યાયની માગણી કરી હતી.

(3:01 PM IST)