News of Friday, 3rd January 2025
કાલથી ભરૂચના કબીરવડમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથા
૪૪ વર્ષ પહેલા ભરૂચમાં ૧૯૮રમાં પૂ. મોરારીબાપુએ શ્રી રામકથાનું રસપાન કરાવ્યું'તુઃ મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ કરશે

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩ : કબીરવડ - ભરુચ ખાતે શનિવાર સાંજે ૪ વાગ્યે ગુજરાતની સરિતા મૈયા નર્મદાને મળવા ‘માનસ ગંગા' પધારશે. કબીરવડ સમીપે મંગલેશ્વર ગામના ગોંદરે નવ દિવસ માટે નર્મદા અને ગંગાનો સંગમ સર્જાશે. પૂજય મોરારીબાપુના શ્રી મુખથી માતા સરસ્વતી અવતરશે. એ રીતે અહીં જેનાં દર્શન માત્રથી ભવ બંધન ટળી જાય, એવી નર્મદા મૈયા સાથે રામકથા રૂપી પાવન ગંગા - માનસ મંદાકિની - અને ગુરુ ગિરા રૂપે મધુર મંગલ એવી માતા સરસ્વતીનું મિલન થતાં, અહીં ત્રિવેણી તીર્થ સમાન પવિત્ર પ્રયાગ પ્રકટ થશે.
ભરુચ ખાતે ૪૪ વર્ષ પૂર્વે પૂજ્ય બાપુએ ૧૯૮૨માં ૨૭૨ મા કથાક્રમે રામકથાનું ગાન કર્યું હતું. અને ૨૦૨૪ માં ૯૪૯મી કથા આરંભાઇ રહી છે. એ રીતે ભરુચ ખાતે તલગાજરડી વ્યાસપીઠ સાડાચાર દાયકાના અંતરાલ બાદ પધારી રહી છે. જો કે ભરુચ જીલ્લામાં યોજાઇ રહેલી પૂજ્ય બાપુની આ સાતમી કથા છે. છેલ્લે ૨૦૦૧માં કુલ કથા ક્રમની ૫૮૦ મી ‘માનસ રામકથા' નું ગાન થયું હતું. એ રીતે ભરુચ જીલ્લામાં ૨૩ વર્ષ પછી વ્યાસપીઠનું શુભાગમન થનાર છે.
કથાના મનોરથી અમેરિકા સ્થિત વ્યાસપીઠના સમર્પિત ફલાવર નરેશભાઇ પટેલ આ કથાના મનોરથી છે. ૭૯ વર્ષની જૈફ વયે પણ તેમણે ભરુચ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ ફરીને સહુને કથા શ્રવણ માટે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
કથા માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. ચાલીસેક હજાર શ્રોતાઓ બેસીને શ્રવણ કરી શકે એવો વિશાળ કથા મંડપ તૈયાર કરાયો છે. મા નર્મદાની ગોદમાં ઉભેલા કબીરવડ અને દાદાગુરુ તેમ જ મહાત્મા કબીરજીના દર્શન કરાવતા બેક ગ્રાઉન્ડ સાથેની વિશાળ વ્યાસપીઠ છે. પૂજ્ય બાપુ માટે રેવા તટે યજ્ઞકુંડ સાથેની સાદગીપૂર્ણ છતાં સુંદર કુટીર સજાવાઇ છે. બાપુના આવાગમન માટે અલગ પાકો રોડ બનાવાયો છે. ગામોગામથી કથા શ્રવણ માટે પધારનાર શ્રાવકો માટે વિશેષ રૂપે બસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બહારથી પધારનાર મહેમાન શ્રોતાઓ માટે ભરુચ શહેરની ભીડભાડથી દૂર નવા બનેલા સાત જેટલા ટાવર્સમાં નિવાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથા સ્થળે તેમને લાવવા લઇ જવા માટે પણ વાહન વ્યવસ્થા રાખવામાં આવી છે.
ભજન સાથે ભોજનને અનિવાર્ય રીતે સાંકળવાના પૂજ્ય બાપુના ભાવને સાર્થક કરતો વિશાળ પ્રસાદ કક્ષ ઉભો કરવામાં આવ્યો છે.
સંત કબીરજીના સંદર્ભમાં બાપુ આ પૂર્વે મગહર ખાતે તેમ જ મોરબી ખાતે કથાગાન કરી ચૂકયા છે, ત્યારે કબીરજીના નામ સાથે જ જોડાયેલા આ તીર્થ પર બાપુ કથાનો મધ્યસ્થ વિષય શું રાખશે એની જીજ્ઞાસા વ્યાસપીઠના શ્રાવકોના મનમાં રમી રહી છે.
કથા માટેની સમગ્ર વ્યવસ્થા સુરત સ્થિત મહુવાના ફલાવર પરેશભાઇ ફાફડાવાળા, ભરુચના સામાજિક આગેવાન જયદેવસિંહ માંગરોલા, ભરુચના વિદ્યા ગુરુ અને લોક ગાયક અભેસિંહ રાઠોડ અને તેમની સાથેના અન્ય સેવાભાવી કાર્યકરો સંભાળી રહ્યા છે. મહામંડલેશ્વર શ્રી શિવરામ સાહેબ, શ્રી ગુરુ ચરણ સાહેબ, શ્રી રાજેન્દ્રદાસજી તેમ જ અન્ય સંતો મંગલેશ્વર કબીર આશ્રમ ખાતે પધારી ચૂકયા છે.
વિશ્વભરના વ્યાસપીઠના આશ્રિતો અને નિયમિત કથા શ્રવણ કરનારા સહુ વ્યાસપીઠ પરથી ઉચ્ચાનારા ‘બાપ... બાપ... મારા બાપ..' સ્વરૂપી આશિર્વાદક ઉચ્ચારણની રાહમાં છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
