<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

વેચાણ કરવા મંગાવેલો ૧૦.૧૧ લાખનો વિદેશી દારૂ બીયરનો જથ્‍થો ગોડાઉનમાંથી પકડાયો

જૂનાગઢના માખીયાળામાં સ્‍ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, ૨ બુટલેગર સહિત ચાર સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.,૩ : બુટલેગરોએ વેચાણ કરવા મંગાવેલો ૧૦.૧૧ બીયરનો વિદેશી દારૂ બીયરનો જથ્‍થો સ્‍ટેટ મોનેટરીંગ સેલએ જુનાગઢ પાસેના માખીયાળા ગામના ગોડાઉનમાંથી કબજે કરે ૪ શખ્‍સ સામે તાલુકા પોલીસમાં કાર્યવાહી કરી હતી.

જુનાગઢ તાલુકાના માખિયાળા ગામની સીમમાં એ વન ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન સર્વે નંબર ૨૨૩ના ગેટ નંબર ૩ની બાજુમાં આવેલ ગોડાઉનમાં ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો ઉતારવામાં આવ્‍યો હોવાની બાતમી મળતા સ્‍ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પીએસઆઇ એ. વી. પટેલની ટીમે દરોડો પાડ્‍યો હતો.

આ કાર્યવાહી દરમિયાન સિમેન્‍ટની થેલીઓની આડમાં છુપાવેલ રૂપિયા ૧૦,૧૧,૦૧૪ની કિંમતના વિદેશી દારૂ તથા બિયરનાં ટીન મળી કુલ ૧૭૯૯ બોટલનો જથ્‍થો મળી આવતા કબજે કર્યો હતો.

આ બારામાં જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે રહેતો લખન મેરુ ચાવડા, એભા ઉર્ફે જયેશ મેરુ ચાવડા, ગોડાઉન ભાડે રાખનાર જુનાગઢમાં વંદન સુદામા પાર્ક ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીમાં રહેતો અશ્વિન સરમણ રાવલીયા વિરુદ્ધ  જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.

આ ગોડાઉન રાજકોટ રહેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારી યશ્વીબેન રાજેશ ચૌહાણનું હોવાનું ખુલ્‍યું હતું અને તેણે પોલીસને જાણ કર્યા વગર ગોડાઉન અશ્વિન સરમણ રાવલીયાને ભાડે આપતા મહિલા સામે જાહેરનામા ભંગનો ગુનો તાલુકા પોલીસે નોંધ્‍યો હતો

(1:25 PM IST)