News of Friday, 3rd January 2025
મીઠાપુરના મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરીને મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ : બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
ખંભાળિયાના આધેડને પૈસા વ્યાજે આપનાર શખ્સ દ્વારા ત્રાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૩ : ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા આરતીબેન વેરશીભા માણેક નામના ૩૭ વર્ષના હિન્દુ વાઘેર મહિલાને પૈસાની જરૂર પડતા થોડા સમય પૂર્વે તેમણે આરંભડા વિસ્તારમાં કળષ્ણનગર સોસાયટી ખાતે રહેતા નિમુબેન જોધાભા માણેક પાસેથી રૂપિયા દોઢ લાખ ઉછીના લીધા હતા. જેમાં તેમણે મુદલ કરતા વધુ વ્યાજની ચુકવણી કરી દીધી હોવા છતાં પણ આરોપી નિમુબેન જોધાભા માણેકએ ફરિયાદી આરતીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક સહી વાળા ચેક લખાવી લીધા હતા. આ પછી ફરિયાદી આરતીબેન ની બોલેરો પીકઅપ વાહન પણ બળજબરીપૂર્વક તેમણે લઈ લીધું હતું.
આ ઉપરાંત અન્ય એક આરોપી યોગીતાબેન વિનીતગીરી ગોસાઈ (રહે. જય અંબે સોસાયટી, આરંભડા) એ આરતીબેનને રૂપિયા બે લાખ ચાલીસ હજાર આપી અને તેમણે પણ ઊંચું વ્યાજ વસૂલ કરી અને સિકયુરિટી પેટે એક્સેસ મોટરસાયકલ લઈ લીધું હતું. આ ઙ્કકરણમાં પણ આરતીબેને મુદ્દલ કરતા વ્યાજની વધુ રકમ ચૂકવી આપી હોવા છતાં પણ આરોપી યોગીતાબેન ગોસાઈએ વધુ વ્યાજની માંગણી કરી, તેણીના ૧૫ તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ પછી ફરિયાદી આરતીબેન તથા તેમના પતિ વેરશીભાઈ માણેકને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને તેમના ઘર ઉપર અન્ય એક આરોપી સબીર ગફારભાઈ ખરજ (રહે. આરંભડા) એ તેઓનું તાળું મારી દીધું હતું અને યોગીતાબેને આરતીબેનને બળજબરીપૂર્વક આરોપી કરસનભા મુળુભા હાથલ (રહે. હમુસર) અને અમરેલી જિલ્લાના બાબરા ગામના હિતેશભાઈ ખાચર પાસે ઉંચા વ્યાજે પૈસા લેવડાવી દીધા હતા. જેમાં આરોપી કરસનભા અને હિતેશભાઈ દ્વારા પણ ઊંચું વ્યાજ વસૂલ કરી અને આરોપી નિમુબેન અને યોગીતાબેને ફરિયાદી આરતીબેનના મકાનના દસ્તાવેજો તેઓ તેમના નામે કરી આપવા માટે ધાકધમકી આપી, ઝઘડો કરી અને બિભત્સ ગાળો કાઢી અને દબાણ કરવામાં આવતું હતું.
આમ, આ પ્રકરણમાં તમામ પાંચ આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલા પાસેથી ઊંચું વ્યાજ વસૂલ કરી, હેરાન-પરેશાન કરવામાં આવતા મીઠાપુર પોલીસે બે મહિલા સહિત તમામ પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ખંભાળિયા પોલીસ મથકમાં અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે રહેતા કિશોરભાઈ જમનાદાસ દેવનાણી (ઉ.વ. ૭૨) દ્વારા અત્રે જી.વી.જે. હાઈસ્કૂલની સામે રહેતા અશોકભાઈ વળજલાલભાઈ ચંદારાણા (ઉ.વ. ૫૭) સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે મે-૨૦૨૦ વર્ષમાં ફરિયાદી કિશોરભાઈએ આરોપી અશોકભાઈ પાસેથી દોઢ ટકા લેખે રૂ. ૮,૦૦,૦૦૦ની રકમ વ્યાજ લીધી હતી. જેના બદલામાં તેમણે પોતાના ખર્ચે પોતાના મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.
આ પછી ફરિયાદી કિશોરભાઈ દ્વારા દર મહિને રૂ. ૧૨,૦૦૦ નું વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આ દરમિયાન તેમણે કુલ રૂપિયા ૨.૧૬ લાખની રકમ વ્યાજની ચૂકવ્યા બાદ કિશોરભાઈના માતાની તબિયત સારી ન હોવાથી થોડો સમય તેઓ વ્યાજની રકમ ચૂકવી શકયા ન હતા. આ પછી અશોકભાઈએ રૂપિયા ૯ લાખનું દોઢ ટકા લેખે માસિક રૂપિયા ૧૩,૫૦૦ નું વ્યાજ વસૂલ્યું હતું. આમ, ફરિયાદીએ આરોપીને કુલ રૂપિયા ૪, ૧૮,૫૦૦ ની રકમ વ્યાજ પેટે ચૂકવી હોવા છતાં પણ આરોપી દ્વારા વારંવાર વ્યાજની ઉઘરાણી કરી અને વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.
હાલ ફરિયાદીનું મકાન આરોપી પાસે હોવાથી તેઓ મકાન વેચતા નથી અને ફરિયાદી કિશોરભાઈને વેચવા પણ દેતા નથી તથા વધુ રૂપિયા આપવા માટે દબાણ કરતા હોવા અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેથી પોલીસે ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
ઓખામાં સીડી પરથી પટકાયેલા વળદ્ધનું મળત્યુ
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ નાથાભાઈ ધોકીયા નામના ૬૮ વર્ષના પ્રજાપતિ વળદ્ધ થોડા દિવસો પૂર્વે પોતાના ઘરની સીડી ઉપરથી પગ લપસી જતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પિયુષભાઈ ભીમજીભાઈ ધોકિયાએ ઓખા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયાના ભરચક્ક વિસ્તારમાં બે જૂથો વચ્ચે બઘડાટીઃ સામસામા પક્ષે ફરિયાદ
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં નંદાણા ગામે રહેતા અને ટિકિટ બુકિંગ કામ કરતા રવિરાજસિંહ ગીરવાનસિંહ વાઢેર નામના ૩૦ વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની બાજુમાં રહેતા નારણ સામત જામ અને શક્તિ જામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવી અને બોલાચાલી કરી હતી. અહીં આરોપીઓએ ફરિયાદી રવિરાજસિંહને બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની સાથે અન્ય એક સાહેદને પણ ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં સામા પક્ષે નારણ સામતભાઈ જામ (ઉ.વ. ૩૨) એ નંદાણા ગામના રવિરાજસિંહ વાઢેર અને જામનગરના ગોપાલભાઈ ઉર્ફે મયુરસિંહ જાડેજા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી શ્રી ચામુંડા ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસની બાજુમાં હતા, ત્યારે આરોપીઓએ તેઓ સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ ઢીકા-પાટુનો માર મારી, ઇજાઓ કર્યાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે સામે પક્ષે પણ બે શખ્સો સામે અપરાધ નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાદવ ચલાવી રહ્યા છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
