<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

મહિને પાંચ લાખનો ધંધો મળવાની લાલચ આપી પંજાબી બંટી બબલીએ ૬૪.૮૫ લાખની ઠગાઈ કરી

ગાંધીધામમાં હોસ્પિટાલિટી કંપની ચલાવતા બિઝનેસમેને છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

ગાંધીધામઃ ગાંધીધામમાં હોસ્પિટાલિટી કંપનીના પાર્ટનરને મુંબઈની હોસ્પિટલમાં ફૂડ એન્ડ બેવરેજીસનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને પંજાબના બંટી બબલીએ ૬૪.૮૫ લાખની ઠગાઈ કરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં રહેતા ગુરબિન્દરસિંઘ સંધુએ પોલીસને જણાવ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર એડ જોઈને તેણે પંજાબના મોહાલીના બીટ્ટુ શ્યામલાલ ઊર્ફે બોબીસિંઘ અને તેની પત્ની રમનકુમારનો સંપર્ક કરેલો. બેઉ જણ તેની જેમ હોસ્પિટાલિટી કંપની ચલાવે છે.

વાતચીત થયાં બાદ બીટ્ટુ ગાંધીધામ આવેલો અને ફરિયાદી પણ મોહાલીમાં આવેલી તેની ઑફિસે જઈ આવેલો. બીટ્ટુએ પોતાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ફૂડ એન્ડ બેવરેજીસની સર્વિસ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું અને મહિને પાંચ લાખનો નફો થતો હોવાનું જણાવી ફરિયાદીને ભાગીદારી કરવા ઑફર કરી હતી. બંને વચ્ચે ત્રણ વર્ષની પાર્ટનરશીપનો કરાર થયેલો.

બીટ્ટુના કહ્યા મુજબ ફરિયાદીએ વિવિધ કારણોસર તેના જણાવ્યા મુજબ અલગ અલગ સમયે તેને રોકડેથી અને બેન્ક ખાતા મારફતે ૬૮.૮૫ લાખ જમા કરાવ્યાં હતાં. પરંતુ, બીટ્ટુએ વળતર પેટ જાન્યુઆરીથી લઈ જૂન ૨૦૨૪ના ૬ મહિનાના મહેનતાણા પેટે સેલેરીના નામે કેવળ ૪.૧૦ લાખ રૂપિયા આપ્યાં હતાં. દરમિયાન, ગ્લોબલ હોસ્પિટલે બીટ્ટુ સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દીધો હતો પરંતુ બીટ્ટુએ તે અંગે ફરિયાદીને અંધારામાં રાખ્યો હતો. ફરિયાદીએ નાણાં પરત માંગ્યા તો આરોપીઓ બહાના કરતાં રહ્યાં હતાં. ફરિયાદીએ તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે આ બંટી બબલીએ અલગ અલગ રાજ્યોમાં આ રીતે અનેક લોકો સાથે ઠગાઈ કરેલી છે અને તેમની વિરુધ્ધ ફરિયાદો દાખલ થયેલી છે.

(12:08 AM IST)