<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

હાલારના બન્ને જિલ્લાના જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૪ ની સાલમાં ૨૧ કરોડ ૬૨ લાખની વિજ ચોરી ના ૩૦૪૮ ગુન્હા નોંધાયા

૧૦૩૮ ગુન્હામાં ૪ કરોડ ૩૫ લાખની માંડવાળની રકમની રિકવરી થઈ; ૪૦૪ કેસના ચાર્જસીટ કરીને ૪૫૦ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

 

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૬ :  હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જી.યૂ. વી.એન.એલ. પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૩૦૪૮ વિજ ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૨૨ કરોડ ૬૨ લાખથી વધુની વીજ ચોરી અંગેના પોલીસ કેસ દાખલ કરાયા છે. જે પૈકી ૧૦૩૮ કેસને માંડવાળ કરવામાં આવ્યા હતા, અને તેમાં ૪ કરોડ ૩૫ લાખની રિકવરી થઈ છે. આ ઉપરાંત કુલ વર્ષ દરમિયાન ૪૦૪ કેસના જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા છે, અને તે પૈકી ૪૫૦ થી વધુ આરોપીઓને અટકાયત કરી લઇ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. વિજ ચોરીના ૪ કેસમાં ચાર આરોપીઓને દંડ સહિતની સજા પણ થઈ છે.

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી હેઠળ ના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન પોલીસ સ્ટેશનમાં કુલ ૩,૦૪૮ વીજ ચોરીના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, અને કુલ રૂપિયા ૨૧,૬૨,૪૮૨.૩૫ ની વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે ૧૦૩૮ કેસ માંડવાળ થયા હતા, અને તેમાં કુલ રૂપિયા ૪,૩૫,૨૬,૭૩૫ની રિકવરી કરી લેવામાં આવી છે.

 આ ઉપરાંત ૨૦૨૪ ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૪૦૪ કેસમાં અદાલત સમક્ષ ચાર્જસીટ કરવામાં આવ્યા છે, જે પૈકીના કુલ ૪૫૦ આરોપીઓની વિજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તમામને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. 

વર્ષ ૨૦૨૪ ના સમયગાળા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને સજા થઈ છે, અને ત્રણ ગણો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

 

 *વિજ પોલીસ સ્ટેશન નું મહેકમ ૩૧નું જ્યારે ફરજ પર મુકાયા માત્ર ૬ કર્મચારી*

 

  જામનગરના જી.યુ. વી.એન.એલ. પોલીસ મથકમાં એક પી.આઈ. અને એક પી.એસ.આઇ. તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતનું કુલ ૩૧ કર્મચારીઓનું મહેકમ છે. અને પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર કે જેની હેઠળ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો, બંને આવેલા છે.

 આટલા મોટા વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળ ના ૩૧ ના મહેકમ સાથે ના પોલીસ સ્ટાફ ની સામે માત્ર ૬ પોલીસ અધિકારી-કર્મચારી સહિતના સ્ટાફ દ્વારાજ સમગ્ર કામગીરી ચલાવવામાં આવે છે.

 હાલમાં પી.આઇ. ની પોસ્ટ ખાલી છે અને તેની જગ્યાએ એક પીએસઆઇ નિમાયેલા છે, અને ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત બાકીના અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ દ્વારા જ સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે, અને ૩૧ ના બદલે ૬ પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આટલી મોટી કામગીરી કરી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા પી.એસ.ઓ.નો ચાર્જ, બન્ને જિલ્લામાં લોકલ બંદોબસ્ત, સમન્સ વોરંટ ડ્યુટી, ઇન્વેસ્ટિગેશન વર્ક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પણ ઓફિસ વર્ક તેમજ પેપર વર્ક માટે મદદ આપી છે.

(2:21 PM IST)