<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

લખતરના તાવી ગામે ખેતરમાં પોલ નાખતા ખેડૂતનો સળગી જવાનો પ્રયાસ

સોલાર પ્રોજેકટની કામગીરી વેળા બનેલી ઘટનાઃ અનિરૂધ્‍ધસિંહ રાણાએ પેટ્રોલ છાંટતા લીંબડી સારવારમાં દાખલ ૭ ખેડૂતોને ડીટેઇન કરાતા દોડધામઃ વિજ લાઇનના કામનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણઃ કિસાનોમાં ઉગ્ર રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ :..  લખતર તાલુકાના તાવી ગામે ખાનગી કંપનીનો સોલાર  પ્રોજેકટ અંતર્ગત લાઈનના કામ માટે ખેડૂતોના ખેતરમાં પોલ નાંખવા કોઈપણ જાતની નોટીસ કે વળતર વગર શનીવારે સવારે પોલીસ પ્રોટેકશન સાથે કામ શરૂ કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા. જેમાં એક ખેડૂતે પેટ્રોલ છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. પોલીસે ખેડૂતને સારવાર માટે લીંબડી હોસ્‍પિટલ મોકલી અન્‍ય ૭ ખેડૂતોને ડિટેઈન કર્યા હતા.

તાવી ગામે સીમમાં અવાડા સોલાર કંપનીનું કામ ચાલી રહ્યુ છે. જેમાં ખેડુતોની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર મુખ્‍ય લાઈન બનાવવાનું કામ કંપની દ્વારા કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોના જણાવાયા મુજબ  ખેતરમાં કામ કરતા પહેલા   નોટીસ આપવી જોઈએ, વળતર આપવુ જોઈએ. પરંતુ આમ ન કરી કંપની દ્વારા ખેડૂતોના ઉભા પાક પર ગત ગુરૂવારે બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જેના લીધે ખેડુતોના જીરૂ, વરિયાળી, એરંડા જેવા પાકોને નુકશાન થયુ હતુ. આથી રોષે ભરાયેલા ખેડૂતો અને સોલાર કંપનીના ઈજનેરો વચ્‍ચે બોલાચાલી થતા લખતર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે સોલાર કંપનીનું કામ બંધ કરાવ્‍યુ હતુ.

જયારે શનિવારે સવારે પોલીસ પ્રોટેકશન સાથે ફરી કામગીરી શરૂ કરાઈ હતી. જેથી ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. આ સમયે સુ.નગર ડીવીઝનના ડીવાયએસપી વી.બી.જાડેજા સહિતનો પોલીસ કાફલો હાજર હતો. આ દરમીયાન ખેડૂત અનીરૂધ્‍ધસીંહ રાણા દ્વારા પેટ્રોલ છાંટી આત્‍મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા દોડધામ મચી હતી. જેમાં અનીરૂધ્‍ધસીંહ  રાણાને લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયારે આ સમયે ખેડૂતો અને પોલીસ વચ્‍ચે ઘર્ષણના દૃશ્‍યો  સર્જાયા હતા. જેમાં પોલીસે ૭ ખેડૂતોને સ્‍થળ પરથી ડિટેઈન કર્યા હતા.

હાલમાં જેટકો દ્વારા ૪૦૦ કેવી ચોરણીયાથી તલસાણા સુધી બેવડી વીજ લાઈનનું કામ પૂરજોશમાં ચાલુ છે. ત્‍યારે  તાવી તલસાણા ગામના ખેડૂત ખાતેદારો વીજ લાઈન નાખવામાં વિરોધ તથા અવરોધ કરી રહ્યા હતા. જે બાબતે સંખ્‍યાબંધ ખેડૂત ખાતેદારોને લખતર પોલીસ દ્વારા ડીટેન કરી અને લખતર પોલીસ સ્‍ટેશન ખાતે લાવવામાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી. હાલ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને એ માટે લખતર પોલીસ સ્‍ટેશનના પીઆઇ વાય.પી.પટેલ અને પીએસઆઇ સહિતના પોલીસ સ્‍ટાફ દ્વારા બનાવના સ્‍થળે ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી એક લાચાર ખેડૂતે પોતાના ખેતરમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને સળગવાનો ઙ્કયાસ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં અન્‍ય ખેડૂતોએ તરત જ ત્‍યાં દોડી જઈ એને બચાવી લઈને તાકીદે હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા.

આ અંગે તાવીના ખેડૂત આગેવાન શિવભદ્રસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, અમે તાવી ગામના રહેવાસી છીએ. અમે નાના ખેડૂતો છીએ, અમે અમારી જમીનમાંથી અનાજ પકવીને અમારું ભરણપોષણ કરીએ છીએ, અગાઉ અમે સરકારને રજૂઆત કરેલી છે, ચાર વખત અરજીઓ પણ આપેલી છે. છતાં અમારી સમસ્‍યાનું કોઈ નિવારણ આવ્‍યું નથી. અમે કલેકટરને પણ રજૂઆત કરેલી છે, પોલીસ ખાતામાં ડીવાયએસપીને પણ રજૂઆતો કરેલી છે. તો પણ અમારું કાંઈ સાંભળવામાં આવ્‍યું નથી.

શિવભદ્રસિંહ ઝાલાએ વધુમાં કહ્યું કે, પોલીસ વિભાગનો સ્‍ટાફ આઠ દશ ગાડીઓ સાથે આવીને વિરોધ કરી રહેલા ખેડૂતોને વેરવિખેર કરે છે.  જ્‍યાં ત્‍યાં અવાડા કંપની, સરકાર અને એમણે જેમને કોન્‍ટ્રાકટ આપ્‍યા છે,  એ લોકોએ ગૌચરની જમીનમાં થાંભલા નાખી દિધા છે, કોઈની પરમિશન લીધી નથી. અને વાયર ખેંચવા માટે એ લોકો જ્‍યાં ત્‍યાં આવીને ઉભા થઇ ગયા અને અમારા ભાઈઓને પકડીને ગાડીમાં લઇ જઈને જેલ ભેગા કરી દિધા છે. અમારા ભાઈ અનિરુદ્ધસિંહ વિક્રમસિંહ રાણા કે જેમના કાકી અવસાન પામ્‍યા છે, એમના દીકરીબાને ડીલેવરી આવી છે, અને એમની દીકરીએ પણ આમના ત્રાસથી બે ત્રણ દિવસથી ખાધું નથી. આ લોકો ખુબ જ ખેડૂતોનું શોષણ કરે છે. સરકાર પણ અમારું ખેડૂતોનું કાંઈ સાંભળતી નથી.

તાવીમાં સોલાર કંપનીના ખેતરમાં પોલ નાંખવાના કામ બાબતે ઘર્ષણ થતા પોલીસે તાવીના રામદેવસીંહ રાજેન્‍દ્રસીંહ રાણા, યોગીરાજસીંહ નાગભા રાણા, કરણસીંહ નવુભા રાણા, જયપાલસીંહ ગજુભા રાણા, વિશ્વજીતસીંહ કરણસીંહ રાણા, બલરામસીંહ વિક્રમસીંહ રાણા, શકિતસીંહ અશોકસીંહ રાણાને ડિટેઈન કર્યા હતા.

આ અંગે ખેડૂતોએ રોષ સાથે વધુમાં જણાવ્‍યુ કે, અમુક ખેડૂતોના તો રોડ ટચ ખેતર આવેલા છે. ખેતરમાં સોલાર કંપની દ્વારા પોલ નાંખવાની કામગીરીથી અમારા ખેતરની કિંમતો ઘટી જવાની શકયતા રહેલી છે. જો કોઈપણ જાતની પરમીશન વગર કંપનીને આવુ કામ દાદાગીરીથી કરવુ હોય તો તેના કરતા ખેતરો વેચાતા જ લઈ લેવા જોઈએ.

(3:27 PM IST)