<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઠંડીનો બીજો રાઉન્‍ડ સાથે ઠાર પણ શરૂઃ નલીયા ૬.૪, ગિરનાર ૯.૯ ડીગ્રી

રાજકોટ ૮.ર, અમરેલી-પોરબંદર ૧૦.૬, ભુજ ૧૦.૮ ડીગ્રી, લઘુતમ તાપમાનઃ લોકો ઠુંઠવાયા

રાજકોટ, તા., ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી ઠંડીનો બીજો રાઉન્‍ડ શરૂ થયો છે. આજે કચ્‍છના નલીયામાં ૬.૪ ગિરનાર ૯.૯, રાજકોટ ૮.ર, અમરેલી -પોરબંદર ૧૦.૬, ભુજ ૧૦.૮, જામનગરમાં ૧૩.૮ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાઇ રહયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ  ગિરનાર પર ૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જુનાગઢ સહિત સોરઠમાં ૭૫ ટકા ભેજથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

જુનાગઢ ખાતે રવિવારે સવારે લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧૪.૯ ડિગ્રીએ સ્‍થિર થતા ગુલાબી ઠંડી વધી હતી.

ગિરનાર પર્વત પર પણ સવારનું તાપમાન ઘટીને ૯.૯ ડિગ્રી હતું. ઠંડી વધતા -વાસીઓની મુશ્‍કેલીમાં વધારો થયો હતો.

સવારે વાતાવરણમાં ભેદ નું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું જેની સાથે ૮.૯ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ બરફીલું થઈ ગયું હતું.

ભાવનગર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ  ભાવનગર શહેરમાં ઠંડીનું જોર વધ્‍યું છે. ગઈકાલે લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સોમવારે શહેરનું લઘુતમતાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું છે. આમ ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૩ ડીગ્રી ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્‍યું છે.

આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા રહ્યું હતું અને પવનની ઝડપ ૧૪ કિ.મી. કલાકની રહી હતી. આમ લઘુતમ તાપમાન વધતા અને પવનની ઝડપ વધતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.૮ , મહતમ તાપમાન રપ.૬, ભેજનું પ્રમાણ પ૩ ટકા, પવનની ગતિ પ.૮ કી.મી. રહી હતી.

(11:38 AM IST)