<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

મુખ્‍યમંત્રી હસ્‍તે ભાવનગરમાં ૭૪ માં સિનિયર નેશનલ બાસ્‍કેટબોલ ચેમ્‍પિયન ટુર્નામેન્‍ટનો પ્રારંભ

તા. ૧૨ સુધી દેશની સૌથી મોટી બાસ્‍કેટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન

(મેઘના વિપુલ  હિરાણી દ્વારા) ભાવનગર, તા.૬: મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલના હસ્‍તે ભાવનગરમાં ૭૪ માં સિનિયર નેશનલ બાસ્‍કેટબોલ ચેમ્‍પિયનનો ઉદઘાટન સમારોહ ઇન્‍ડોર સ્‍ટેડિયમ, સિદસર સ્‍પોર્ટ્‍સ સંકુલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્‍યું કે, ૨૦૩૬ ના ઓલિમ્‍પિક્‍સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઉપાડ્‍યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્‍ય તેમના દિશાદર્શનમાં ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્‍ડ ક્‍લાસ ગેઈમ્‍સના આયોજન માટે પ્રયત્‍નશીલ છે.

આ પ્રસંગે ગળહ અને રમત-ગમત રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે, દેશના અલગ અલગ રાજ્‍યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરવાનો અવસર મળ્‍યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સ્‍પોર્ટ્‍સ હબ તરીકે આગળ વધવાનું છે. ગુજરાતમાં દેશના વિવિધ ફેડરેશનો સાથે મંત્રણા કરીને અનેક રમતોનું આયોજન કરવાનું આયોજન છે.

ગુજરાત સ્‍ટેટ બાસ્‍કેટબોલ એસોસિએશનને રૂપિયા ૩૦ લાખ મદદની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જી.એમ.ડી.સી. દ્વારા રૂ.૧૫ લાખ, જી.એસ.પી.સી. દ્વારા ૫.૫ લાખ અને રાજ્‍ય સરકાર દ્વારા રૂ. ૧૦ લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બાસ્‍કેટબોલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આ ૭૪ મી સિનિયર નેશનલ બાસ્‍કેટબોલ ચેમ્‍પિયનશિપ ગુજરાત રાજ્‍ય બાસ્‍કેટબોલ એસોસિએશનને ફાળવવામાં આવેલ છે. જેના ભાગરૂપે યંગસ્‍ટર્સ બાસ્‍કેટબોલ ક્‍લબના યજમાન પદે રાજ્‍ય સરકાર દ્વારા નિર્મિત સીદસર સ્‍પોર્ટસ સંકુલ ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે દેશની સૌથી મોટી બાસ્‍કેટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં દેશના ૯૦૦ થી વધુ નેશનલ અને ઇન્‍ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે. ૧૫૦ થી વધુ ઓફિસિયલસ અને જુદા જુદા રાજ્‍યોના પ્રતિનિધિઓ ભાવનગરના મહેમાન બન્‍યા છે. વર્ષ-૨૦૧૯ માં ૫ થી ૧૨ જાન્‍યુઆરી સુધી ૬૯ મી સિનિયર નેશનલ બાસ્‍કેટબોલ ચેમ્‍પિયનશિપ યંગસ્‍ટર્સ બાસ્‍કેટબોલ ક્‍લબના યજમાન પદે રાજ્‍ય સરકાર દ્વારા નવનિર્મિત ભાવનગરના સીદસર સ્‍પોર્ટ્‍સ સંકુલ ખાતે યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર બાસ્‍કેટબોલ ક્ષેત્રે ભારતમાં પ્રખ્‍યાત છે અહીંથી સમયાંતરે ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્‍વ કરતા રહ્યા છે.

આ પ્રસંગે ખેલાડીઓને શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. ખેલાડીઓએ રાસ ગરબા દ્વારા ગુજરાતની સંસ્‍કળતિના દર્શન કરાવ્‍યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્‍યા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, આગેવાન  અભયસિંહ ચૌહાણ, ફેડરેશન ઓફ એશિયન બાસ્‍કેટબોલ એસોસિએશનના પ્રેસિડન્‍ટ ડો. કે. ગોવિંદરાજ, બાસ્‍કેટબોલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના પ્રેસિડેન્‍ટ શ્રી આધાવ અર્જુન, બાસ્‍કેટબોલ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના સેક્રેટરી કુલવિન્‍દર સિંઘ ગીલ, ગુજરાત સ્‍ટેટ બાસ્‍કેટબોલ એસોસિએશન તથા ચેરમેન ઓફ સિલેક્‍શન કમિટી ઓફ ઇન્‍ડિયાના પ્રેસિડેન્‍ટ  શક્‍તિસિંહ ગોહિલ, ગુજરાત સ્‍ટેટ બાસ્‍કેટબોલ એસોસિએશનના સેક્રેટરી આસિફ શેખ, ગુજરાત ડીસ્‍ટ્રીક્‍ટ બાસ્‍કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્‍ટ  ભાગીરથસિંહ જાડેજા, ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ બાસ્‍કેટબોલ એસોસિએશનના સેક્રેટરી  હસમુખ ધામેલીયા સહિતના આગેવાનો અને રમતવીરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:15 PM IST)