News of Tuesday, 7th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીઃ પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ
નલીયા ૬.ર, રાજકોટ ૯.૮, ભુજ-જામનગર-૧૧, અમરેલીમાં ૧ર ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં પવનના સુસવાટા સાથે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહયા છે. આજે કચ્છના નલીયામાં ૫.૨, રાજકોટ ૯.૮, ભુજ- જામનગર ૧૧, અમરેલીમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તોફાની પવનથી ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગઈકાલથી શરૂ થયેલો પવન આજે પણ યથાવત રહેતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી આજે પણ સવારથી રોપવે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
જૂનાગઢમાં ગઈકાલે ૮.૯ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા બાદ આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૧૧.૩ કિલોમીટરની થઈ ગઈ હતી. પવન વધવાના કારણે આજે સવારે લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨% રહ્યું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૧, મહતમ તાપમાન ૨૪, ભેજનું પ્રમાણ ૫૫%, પવનની ગતી ૮.૯ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આજે સવારે સુસ્વાટા મારતો તેજ પવન ફુંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
ભાવનગર શહેરમાં આજે સવારે ૩૪ કિ.મી ની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. આજે સવારે લઘુતમ તાપમાન ૧૩.૮ ડીગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬% રહ્યું હતું. સુસ્વાટા મારતા ઠંડા પવનને કારણે લોકોએ કટકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
આજની ટાઢ પણ એમ છે, હો!
ઠાર સાથે ઠંડા પવનોની જુગલબંધી
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૭: આજે ટાઢ પણ અચાનક વધી ગઇ, આજની ટાઢ-પણ એમ છે હોં... લોક સંવાદોમાં ઠેરઠેર આજે આ સંવાદો સંભળાઇ રહ્યા છે. જમ્મુ-કાશ્મિર સહિત આસપાસના વિસ્તારોમાં સ્નોફોલ વરસાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતાં ઉતરના કાતિલ ઠંડા પવનો છેક ગુજરાત સુધી વાતા થયા છે જેના કારણે ઠેર-ઠેર તાપમાનનો પારો નીચે ગબડતા શિયાળાની ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આજ રાત્રીનું ન્યુનતમ તાપમાન અગાઉના આંકડાઓને પાર કરી શકવાની સંભાવના રહે છે.
સાઉદી અરેબીયાના મકકા શહેર ખાતે ગઇકાલે કમોસમી ભારે વરસાદ ખાબકયો છે. મકકા શહેર એ સમગ્ર પૃથ્વીનું સેન્ટર પોઇન્ટ (મધ્ય ભાગ) છે. ત્યાં જોવા મળતા મૌસમી બદલાવોની અસર વૈશ્વિકસ્તરે ઠેરઠેર જોવા મળતી હોય છે. (૭.ર૦)

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
