<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

વાછકપર બેડીની શાળાનો કામુક શિક્ષક કમલેશ ફરારઃ ૧૧ છાત્રાઓ સાથે વારંવાર ચેનચાળા કર્યાનો આરોપ

શિક્ષકની પત્‍નિ પણ સરકારી શાળામાં આચાર્યા છેઃ કુવાડવા પોલીસે આરોપીને શોધી કાઢવા ટીમો કામે લગાવી

રાજકોટ તા. ૭: કુવાડવા પોલીસ સ્‍ટેશન તાબેના વાછકપર બેડી ગામની સરકારી શાળાના શિક્ષક કમલેશ અમૃતિયાએ શાળાની આશરે ૧૦થી ૧૨ વર્ષની પાંચમા, છઠ્ઠા ધોરણમાં ભણતી છએક છાત્રાઓને મોબાઇલ ફોનમાં નગ્ન વિડીયો બતાવી પોતાનું પેન્‍ટ ઉતારી ચાળા કર્યાની ઘટનામાં કુવાડવા પોલીસે આ શિક્ષક સામે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા રાજકોટના અયોધ્‍યા ચોક નજીક તેના રહેણાક પર દરોડો પાડયો હતો. પરંતુ તે ભાગી ગયો હતો. પોલીસને જાણવા મળ્‍યું છે કે શાળામાં આ શિક્ષકની પત્‍નિ પ્રિન્‍સીપાલ તરીકે નોકરી કરે છે.

આ બનાવમાં પોલીસે એક વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક કમલેશ અમૃતિયા સામે ફરિયાદ દાખલ કરી છે. કુવાડવા પીઆઇ બી. પી. રજીયાએ જણાવ્‍યું હતું કે વાલીઓ પોલીસ સ્‍ટેશને પહોંચતા તુરત જ એક ટીમને શિક્ષક કમલેશ અમળતિયાને સકંજામાં લેવા તેની શાળાએ રવાના કરાઇ હતી અને બીજી ટીમ રાજકોટના અયોધ્‍યા ચોક નજીક આવેલા તેના દોડાવાઇ હતી. જો કે  કમલેશ અમળતિયા ફરાર થઇ ગયો હતો. જે શાળાની છાત્રાઓ સાથે કમલેશે બિભત્‍સ હરકતો કરી હોવાના આરોપો મુકાયા છે એ જ શાળામાં શિક્ષક કમલેશની પત્‍નિ પણ પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવે છે.

વાલીઓએ આક્ષેપો કર્યા હતાં કે શિક્ષક કમલેશ અમળતિયા દોઢેક વર્ષથી આવી બીભત્‍સ હરકતો કરતો હતો અને શાળાની અનેક વિદ્યાર્થિનીઓને ન્‍યૂડ વીડિયો બતાવી પોતાનું પેન્‍ટ ઉતારી નાખતો હતો. કેટલીક વિદ્યાર્થિનીઓએ પોતાના માતા-પિતા સમક્ષ અગાઉ આ અંગે વાત પણ કરી હતી, પરંતુ ગામ અને સમાજમાં આબરૂ જશે તેવા ભયથી વાલીઓએ અવાજ ઉઠાવ્‍યો નહોતો અને શિક્ષક કમલેશ અમળતિયાએ તેનો ગેરલાભ ઉઠાવી પોતાની હરકતો ચાલુ રાખી હતી. દરમિાયન ગત તા.૧૭ ડિસેમ્‍બરના કમલેશે ત્રણ છોકરીને બગીચામાં લઇ જઇને વીડિયો બતાવ્‍યો હતો તેમાંથી એક છોકરીએ તેની માતાને આ અંગે વાત કરી હતી.

શાળામાં પોતાની પુત્રી ઉપરાંત અન્‍ય વિદ્યાર્થિનીઓ સાથે થતી આવી હરકતથી વાલી સ્‍તબ્‍ધ થઇ ગયા હતા અને તેમણે શિક્ષક કમલેશ અમળતિયાના પાપનો ભાંડો ફોડવાનો નિર્ધાર કર્યો હતો. જેથી તા.૩ના બપોરે શાળા છૂટી ત્‍યારે આ વાલીઓએ અનેક વિદ્યાર્થિનીઓને અટકાવી પળચ્‍છા કરતાં પોતાની પુત્રી ઉપરાંત અન્‍ય અગિયાર વિદ્યાર્થિનીએ શિક્ષકના કરતૂતોની વાત સ્‍વીકારી હતી. ત્‍યારબાદ આ વાલીએ વાછકપર બેડી ગામના ગ્રામજનો અને ઉપરોક્‍ત વિદ્યાર્થિનીઓના વાલીઓની બેઠક બોલાવી હતી અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

કમલેશ અમળતિયા વાછકપર બેડી ગામની શાળામાં ધોરણ ૫ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે સમયાંતરે બપોરે બેથી અઢી વાગ્‍યા દરમિયાન રિશેષમાં બેથી ત્રણ વિદ્યાર્થિનીને શાળામાં જ આવેલા બગીચામાં લઇ જતો હતો અને ત્‍યાં પોતાના મોબાઇલમાંથી બીભત્‍સ વીડિયો બતાવતો હતો અને પોતાનું પેન્‍ટ ઉતારી નાખતો હતો. શિક્ષક હાથમાં આવ્‍યા બાદ વિશેષ વિગતો સામે આવશે. પીઆઇ બી. પી. રજીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એ. બ્‍લોચ અને રાઇટર વૈભવભાઇ વધુ તપાસ કરે છે.

(2:17 PM IST)