<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ગ્રીન હાઇડ્રોજન હબ બનવા તૈયાર: સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ગ્રીન ઊર્જા માટે ૩૪૦૦ એકર જમીનની ફાળવણી, ડીસએલિનેશન પ્લાન્ટ માળખાગત સુવિધાઓ માટે પોર્ટની પહેલને બિરદાવી, ચેરમેન સુશીલકુમાર સિંઘએ સર્બાનંદજી સોનોવાલનું સ્વાગત કરી પોર્ટની પ્રગતિની માહિતી આપી

ભુજ : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ આજથી બે દિવસ કચ્છના પ્રવાસે છે. તેઓ દિલ્હીથી બપોરે ૨ વાગ્યે કંડલા એરપોર્ટ ઉપર પહોંચી આવ્યા હતા. જ્યાં તેમનું દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના ચેરમેન સુશીલકુમાર સિંઘએ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ એમને આવકાર્યા હતા.

   દિનદયાલ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદજી સોનોવાલ દ્વારા કંડલા પોર્ટ ઉપર કારગો હેન્ડલિંગ કાર્યક્ષમતા વધારવા હાર્બર મોબાઈલ ક્રેન, પોર્ટની કામગીરી સુવ્યવસ્થિત કરવા ઓઇલ જેટી નંબર ૮ ઉપર ટેલીસ્કોપિક ગેંગ વેનું લોકાર્પણ કરાયું હતું. વધુમાં પર્યાવરણ અને સ્વચ્છતાની જાળવણી માટે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વેસ્ટ રિ સાઈકલ પ્લાન્ટ, કેન્દ્રીય વિદ્યાલયની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. કંડલા પોર્ટ તરફથી ગ્રીન હાઇડ્રોજન હરિત ઊર્જાથી ચાલતી બસો માટે એનટીપીસી સાથે તેમ જ એક મેગાવોટ હાઇડ્રોજન ટેકનોલોજી ડેમો પ્લાન્ટ માટે એલ એન્ડ ટી સાથે એમઓયુ કરાયા હતા. 

 આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ ૩૪૦૦ એકર જમીન ગ્રીન ઊર્જા માટે ફાળવી છે. તે હાઇડ્રોજન હબ બનવા તૈયાર છે. તેમણે દેશના તમામ બંદરો કરતા પોર્ટની કાર્યક્ષમતા સૌથી વધુ હોવાની પ્રશંસા કરી ૧૦.૦૫ ટકા વૃદ્ધિ દર અને ૧૧૦ મિલિયન મેટ્રિક ટન કારગો હેન્ડલિંગ કરવામાં ગત વર્ષ કરતા કરાયેલ ઝડપ, એક મહિનામાં ૩૫૪ જહાજ હેન્ડલિંગ કરવા બદલ પોર્ટ ચેરમેન અને ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે સ્ટેક હોલ્ડર્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

 કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘ, વાઇસ ચેરમેન નંદીશ શુક્લા, કસ્ટમ કમિશનર એમ. રામ મોહન રાવ, ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ, સહિતના વ્યાવસાયિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ શિપિંગ બોર્ડના ડાયરેક્ટર રાહુલ મોદી, પોર્ટના પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય શિપિંગ મંત્રી આવતી કાલે કંડલા પોર્ટ ની મુલાકાત લેશે.(તસવીરો: રાજેશ લાલવાણી, ગાંધીધામ)

(6:08 PM IST)