<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

…ઊંડા બોરમાં ફસાયેલી કચ્છની યુવતી ઈન્દ્રાને બચાવવાના અથાક પ્રયાસો છતાંયે મોત સામે જિંદગી હારી !!

મા બાપ વગરની ઈન્દ્રાને બચાવવા ૨૦૦ જણની ૩૫ કલાક દિવસ રાત મહેનત, ખાસ રાજુલાથી રોબોટ મંગાવાયો : બોરમાં પુખ્ત વયની વ્યક્તિ ફસાયાનો રાજ્યમાં પ્રથમ બનાવ :ગ્રીન કોરીડોર સાથે જેટ ઝડપે હોસ્પિટલ પહોંચાડાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૮ :  બોરમાં ફસાયેલી ૧૮ વર્ષીય અરમાન ભરેલી યુવતી ઇન્દ્રાની જિંદગી અંતે મોત સામેનો જંગ હારી ગઈ. જોકે, ૫૫૦ ફૂટ ઊંડા બોરમાં ૪૬૦ ફૂટ નીચે ફસાયેલી આ કોડભરી યુવતીને બચાવવા માટે સરકાર, સ્થાનિક તંત્ર, પોલીસ, બીએસએફ, આર્મી, એનડીઆરએફ, ફાયર ફાઇટર, આરોગ્ય ટીમ, સેવાભાવી લોકો સહિત ૨૦૦ જણ દિવસ રાત ૩૬ કલાક સુધી મથ્યા હતા. 

          રાત દરમ્યાન બે થી ત્રણ વખત ઇન્દ્રા ઉપર આવી પણ હૂકમાંથી છટકી ફરી નીચે પટકાઈ. રાજુલાથી ખાસ રોબોટ પણ મંગાવાયો. સીસી ટીવી થી મોનિટરિંગ કરાયું પરંતુ નાનકડા ડાયામીટર ધરાવતા ઊંડા બોરમાં ફસાયેલ પુખ્ત વ્યક્તિને કાઢવું એ ભારે મુશ્કેલ અને કપરું કામ હતું. ઇંદ્રાની બોડી ૩૫ કલાક બાદ ગઈકાલે સાંજે ૪ વાગ્યે બહાર નીકળી ત્યારે ફુલાઈ ગઈ હતી. જોકે, તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તૈયાર કરી ૨૫ કીમી નું અંતર ઝડપભેર ૨૦ મિનિટમાં કાપી ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખસેડાઈ અહીં ડોક્ટરોની ટીમ તૈયાર હતી પરંતુ ઈન્દ્રાની જિંદગી મોત સામે હારી ગઈ. બાળપણમાં મા બાપ ગુમાવનાર ઈન્દ્રા પોતાના પિતરાઈ ભાઈ સાથે રહેતી હતી. મૂળ રાજસ્થાનનો આ પરિવાર ભુજના કંઢેરાઈ ગામે રમેશભાઈ ઠક્કર ની વાડી એ ખેત મજૂરી કરતો હતો. મૃતક ઇન્દ્રાની હમણાં જ સગાઈ થઈ હતી. પોલીસ હવે બોર માં પડી જવાનાં તેના કારણ અંગે તપાસ કરશે. ઇન્દ્રા અકસ્માતે પડી? આપઘાત કર્યો? કે પછી મોત નું બીજું કંઈ કારણ છે? એ જાણવા પોલીસે જામનગર એફએસએલમાં લાશ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(9:36 AM IST)