તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 8th January 2025
અમરેલી લેટરકાંડ: પોલીસે પટ્ટા માર્યાનો આક્ષેપ કરનારી પાયલ ગોટી મેડિકલ માટે પહોંચી :જેનીબેન ઠુમ્મર પણ સાથે રહ્યા હાજર
મોડીરાત સુધી ચાલેલા નાટક બાદ આજે પાયલ ગોટી સામે ચાલીને મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે લેટર બોમ્બ ફોડવા મામલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી પાટીદાર યુવતીનું રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢ્યા બાદ રાજકારણ ગરમાયું છે. જામીન પર છૂટેલી પાયલ ગોટીએ પોલીસ દ્વારા પોતાને પટ્ટાથી માર મારવાનો આક્ષેપ કર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે SITની રચના કરી છે. ગઈકાલે મો઼ડીરાત સુધી ચાલેલા નાટક બાદ આજે પાયલ ગોટી સામે ચાલીને મેડિકલ ચેકઅપ માટે પહોંચી છે. જેની સાથે તેના વકીલ ઉપરાંત કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ હાજર રહ્યાં છે.
હકીકતમાં ગઈકાલે મોડી સાંજે SITની ટીમ પાયલ ગોટીના આવાસ પર પહોંચી હતી. જ્યાં પાયલ ગોટીનું નિવેદન નોંધી તેના પરિવારના સભ્યો સાથે તેને મેડિકલ ચેકઅપ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસના કાફલાને અટકાવ્યો હતો અને પાયલ ગોટીને ઘરે મૂકી જવા માટે વિનંતી કરી હતી. પાયલ ગોટીએ પણ અત્યારે મેડિકલ માટે બહાર જવાનો ઈનકાર કરતા પોલીસ અધિકારીઓ તેને ઘરે મૂકી ગયા હતા.
જો કે થોડીવાર બાદ પોલીસની ટીમ મહિલા તબીબો સાથે પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસ અધિકારીઓએ પાયલ ગોટીને સમજાવી હતી કે, તમે પોલીસ અધિકારીઓ પર માર મારવાનો આક્ષેપ કર્યો હોવાથી તમારું જેમ બને તેમ જલ્દી મેડિકલ થવું જરૂરી છે. આ માટે અમે મહિલા તબીબોને લઈને આપના ઘરે આવ્યા છે, જેઓની પાસે તમે કરેલા આક્ષેપોની ખરાઈ કરાવવા માટે મેડિકલ કરાવવું જરૂરી છે. જો કે પાયલ ગોટીએ પોતાના ઘરે પણ મેડિકલ કરાવવાનો ઈનકાર કર્યો હતો. જેથી પોલીસ અધિકારીઓનો કાફલો તેના ઘરેથી પરત ફર્યો હતો.
જો કે આજે સાંજે 4 વાગ્યાની આસપાસ પાયલ ગોટી સામે ચાલીને મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. જ્યાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં પાયલ ગોટીનું ફરીથી નિવેદન લેવામાં આવશે, જે બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાશે.
અમરેલી લેટરકાંડ મામલે SITના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ જણાવ્યું કે, પરેશ ધાનાણીએ હોદાની ખોટી ઓળખ આપી. SITના સભ્યો વિઠલપુર ગામે પાયલ ગોટીની મેડિકલ તપાસ કરવા ગયા હતા.આ સમયે પાયલ ગોટીએ મેડિકલ તપાસ માટે ઈનકાર કર્યો હતો. આ સમયે પરેશ ધાનાણીએ અમારી ઓળખ જજ તરીકે આપી પાયલ ગોટીને રજૂઆત કરવા કહ્યું હતુ. જો કે હું જજ તરીકે નહી, પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ટોર્ચર કરનારા પોલીસ અધિકારીઓને 24 કલાકમાં ડિસમિસ કરવાની માંગ કરી છો. જો તેમની વિરુદ્ધ પગલા લેવામાં નહીં આવે, તો આવતીકાલે સવારે 10 કલાકે તેઓએ અમરેલીના રાજકમલ ચોકમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
