તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
‘મનપા'ને વઢવાણ નગરપાલિકા નામ આપવા માંગઃ બંધ સહિતના આંદોલનની વેપારીઓની ચિમકી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૯: સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી છે. ત્યારે નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બોર્ડ લાગતા વઢવાણવાસીઓમાં રોષ ફેલાયો છે. અને મંગળવારે યોજાયેલી બેઠકમાં મનપાને વઢવાણ મહાનગરપાલિકા નામ આપવા એક સુર ઉઠયો છે.
જો આવુ ન થાય તો આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. વઢવાણએ સૌરાષ્ટ્રનો સૌથી જુનો ભુ-ભાગ છે. ઈતિહાસના ચોપડે અસ્થીગ્રામ, મીણપુર, વર્ધમાનપુરી અને બાદમાં અપભ્રંશ થઈ વઢવાણ નામ પડયુ છે. વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલા જૈન સમાજનું આસ્થા કેન્દ્ર છે. વઢવાણમાં હવામહેલ, ગંગાવાવ, સતી રાણકદેવીનું મંદિર સહિત અનેક ઐતીહાસીક સ્થળો આવેલા છે. ત્યારે નગરપાલિકામાં સુરેન્દ્રનગર મહાનગરપાલીકાનું બોર્ડ લાગતા વઢવાણ વાસીઓને વઢવાણની અસ્મીતા જોખમાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
જેમાં વઢવાણ અસ્મિતા મંચના નેજા હેઠળ મંગળવારે સાંજે લાલજી મહારાજની જગ્યામાં બેઠક યોજાઈ હતી. જેમાં વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશ ગમારા, અશોક રામી, દશરથસીંહ અસવાર, પરેશભાઈ પરીખ, સ્મીતાબેન રાવલ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. અને યશો ભુષણમ સર્વદા વર્ધમાનમ્ સુત્ર સાથે વઢવાણનું અસ્તીત્વ જળવાય રહે તે માટે ચર્ચા કરી હતી. જયારે મનપાને વઢવાણ મહાનગરપાલીકા નામ અપાય તેવી માંગણી કરાઈ છે. જો આવુ ન થાય તો રેલી, ધરણા, ઉપવાસ આંદોલન, વઢવાણ બંધ સહિતના તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ અપાઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે વઢવાણનું નામ સામેલ કરવા માટે વેપારીઓએ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો તેની સાથે જ પૂર્વ ધરાસભ્ય ધનરાજ કૈલાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.
નવનાથ ગવહાણે હવે નવા કમિશનર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની જાહેરાત કરાઈ ત્યારે કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓની નિમણૂક કરાઈ હતી. પરંતુ નવા કમિશનર મહાનગર પાલિકામાં હાજર થાય અને ચાર્જ સંભાળે તે પહેલાં જ તેમની બદલી કરીને નડિયાદ કમિશનર તરીકે મૂકાયા છે. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા બાદ કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મહાનગર પાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવગનરના ડીડીઓ જી.એચ. સોલંકીની નિમણૂક કરી જાહેરાત પણ કરી દેવાઈ હતી.
પરંતુ ભાવનગરમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોઇ અને જી.એચ. સોલંકી પાસે કલેક્ટરનો ચાર્જ હોઇ ૨ દિવસ બાદ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનો ચાર્જ સંભાળશે તેવી વાતો હતી. ત્યારે સરકારે જી.એચ. સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે કરી છે. તેમની જગ્યાએ રાજકોટના ડીડીઓ નવનાથ ગવહાણેને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે. મહાનગર પાલિકાનું સુકાન કમિશનર તરીકે નવનાથ ગવહાણે સંભાળશે. જી.એચ. સોલંકીની બદલી કરાઇ તે બાબતે અનેક અટકળો વહેતી થઇ છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
