તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
જામનગરમાં શ્રી દ્વારકાધીશ મંદિરે ૧૯ જાન્યુ.ના છપ્પનભોગ મહોત્સવનું આયોજન
સમગ્ર હાલારના વૈષ્ણવો માટે આનંદનો અવસરઃ ધ્વાજારોહણ-વિવાહ-ખેલ સહિતના વિવિધ મનોરથ પણ યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦: છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં તા. ૧૯/૧/૨૦૨૫ ને પોષ વદ પાંચમને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પુષ્ટી સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરમાં પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તથા શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯/૧ ને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન વૈષ્ણવોને છપ્પન ભોગનાં દર્શનનો લાભ મળશે. મહોત્સવમાં મોટી હવેલીનાં પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનું સાંનિધ્ય તથા દર્શનનો લાભ મળશે. તેમજ શ્રી આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત દેવપ્રસાદજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ મહોત્સવને અનુલક્ષીને તા. ૧૭/૧ ને શુક્રવારે સવારે નૂતન ધ્વજારોહણ તથા સાંજે વિવાહ ખેલ મનોરથ અને તા. ૧૮/૧ ને શનિવારે બપોરે પણ નૂતન ધ્વજારોહણ મનોરથ યોજાશે.
છપ્પન ભોગ મહોત્સવમાં વિવિધ જનપ્રતિનિધિઓ અર્થાત સત્તાધીશો સહિતનાં નેતાઓ તેમજ વિવિધ સમાજનાં અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ અતિથી થશે અને પુષ્ટી સંપ્રદાયનાં આ અનેરા ઉત્સવનો પુણ્યલાભ પ્રાપ્ત કરશે
છપ્પન ભોગ મહોત્સવ દરમ્યાન પાકિંગની વ્યવસ્થા શ્રી રામબાગ, ભાટીયા મહાજન વાડી, ખંભાળીયા ગેઇટ પાસે રાખવામાં આવી છે.વડીલ વૈષ્ણવો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લેવા સમગ્ર હાલારનાં વૈષ્ણવોને મુખ્યાજી રમેશભાઇ તથા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.વધુ માહિતી માટે મુખ્યાજી રમેશભાઇ (મો. ૯૪૨૯૫ ૫૭૦૪૫) પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
