<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

લેટર કાંડમાં ન્‍યાયની માંગ : કાલે અમરેલી અડધો દિ' બંધઃ પરેશ ધાનાણી : જુઓ વિડિયો

દિકરીઓને ન્‍યાય અપાવવા ગુજરાતમાં નારી સ્‍વાભિમાન મંચની સ્‍થાપના કરાશે દિકરીને ન્‍યાય આપો, પટ્ટા મારનાર પોલીસના પટ્ટા ઉતરાવવા માંગઃ ધરણા-ઉપવાસ યથાવતઃ જેનીબેન ઠુંમર, વિરજીભાઇ ઠુંમર, પ્રતાપભાઇ દૂધાત સહિતના ઉપસ્‍થિત પોલીસ અટકાયત કરશે તો જેલમાં પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખીશઃ પરેશ ધાનાણીનો નગારે ધા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦: અમરેલીમાં લેટરકાંડમાં દિકરીને ન્‍યાય આપવાની માંગ સાથે વિધાનસભા વિરોધ પક્ષના પુર્વ નેતા અને પુર્વ ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણીના આગેવાનીમાં ધરણા. ઉપવાસ ર૪ કલાકના થયા બાદ આજે પણ બીજે દિવસે ધરણા-ઉપવાસ યથાવત છે અને કાલે અમરેલી ચડધો દિવસ બંધ રહેશે.

પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યુ હતુ કે, ર૪ કલાક ધરણા-ઉપવાસ કર્યા છતા સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં નથી આવ્‍યા જેથી કાલે સવારથી બપોર સુધી અમરેલી શહેર બંધ રાખવાનું એલાન અપાયુ છે. જેમાં દિકરી માટે સૌને જોડાવવા આહવાન કરાયુ છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યું  કે, દિકરીઓને આવી ઘટનાઓમાં ન્‍યાય અપાવવા માટે ગુજરાતમાં નારી સ્‍વાભિમાન મંચની સ્‍થાપના કરાશે. જેમાં સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરોને જોડાવવા માટે આહવાન કરાયુ છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યા  છે કે દિકરીને ન્‍યાય આપો, પટ્ટા મારનારા પોલીસના પટ્ટા ઉતરાવો સહિતની અમારી મુખ્‍ય માંગ છે. ધરણા-ઉપવાસમાં પોલીસ અટકાયત કરશે તો જેલમાં પણ મારૂ આંદોલન  ચાલુ રાખીશ.

આજે ઉપવાસ-ધરણામાં પુર્વ ધારાસભ્‍ય, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, પુર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત સહિતના ઉપસ્‍થિત છે.

(1:30 PM IST)