તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
હવે દોઢ કલાકમાં દિલ્હીથી કચ્છ: ૧ ફેબ્રુ. થી દિલ્હી ભુજ વચ્ચે વિમાની સેવા શરૂ
રણોત્સવ પ્રવાસન માટે લાભદાયી, ઉત્તર ભારત સાથે કચ્છનું જોડાણ થતા કુંભ મેળામાં જવા માટે, ફેબ્રુ.માં ભુજમાં આયોજિત જૈન સમાજના મોટા ધાર્મિક કાર્યક્રમમાં આવનારાઓ માટે સુવિધા વધશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છ માટે હવે દિલ્હી દૂર નહીં રહે. હા, ૧ લી ફેબ્રુ.થી દિલ્હી ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત એર ઇન્ડિયા એ કરી છે. સાંસદ વિનોદ ચાવડા અને કચ્છની વિવિધ વ્યાપારી ચેમ્બર્સ, ઇન્ડસ્ટ્રીઝ એસો. ની વારંવારની રજૂઆતો ફળી છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના કમિટી મેમ્બર અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્ર જોશીએ ‘અકિલા’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માત્ર દોઢ કલાકમાં જ દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી પહોંચનાર આ વિમાની સેવા કચ્છના પ્રવાસન માટે ખૂબ લાભદાયી બનશે. હાલમાં કુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ પણ ઝડપભેર ઉત્તર ભારત સુધી પહોંચી શકશે. અત્યારે કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝના વધેલા વ્યાપના કારણે દિલ્હી અવરજવર માટે અનુકૂળતા વધશે જે વ્યાપાર ધંધા માટે લાભદાયી બનશે. અજરામર ટ્રસ્ટના પ્રમુખ મયુર બોરીચાએ આ વિમાની સેવાને આવકારતા જણાવ્યું હતું કે, આગામી ફેબ્રુ. માં ભુજમાં આયોજિત જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં દિલ્હી સહિત ઉત્તરભારતમાંથી આવવા માંગનારાઓ માટે સુવિધામાં વધારો થશે. આ સિવાય હરિદ્વાર, અયોધ્યા સહિત જમ્મુ કાશ્મીર જવા આવવા માટે પણ આ સુવિધા આવકાર્ય બનશે. એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલ આ ફ્લાઈટનું ટાઈમ શિડ્યુઅલ આ પ્રમાણે છે, દિલ્હીથી બપોરે ૩ વાગ્યે ઉપડી ભુજ સાંજે ૪/૩૦ વાગ્યે પહોંચી આવશે. જ્યારે વળતી ફ્લાઇટ ભુજથી સાંજે ૫/૩૦ વાગ્યે ઉપડી દિલ્હી સાંજે ૭ વાગ્યે પહોંચશે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
