<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છેઃ આચાર્ય દેવવ્રતજી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદઃ જિલ્લાના ધરતીપુત્રોને રાસાયણિક કૃષિનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્વાન કરતાં રાજ્યપાલઃ પ્રાકૃતિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયીઃ મુળુભાઇ બેરા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધરતીપુત્રો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, માનવજીવનનું સૌથી કિંમતી અંગ મનુષ્યનું મગજ છે, જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. ઉત્પાદન ઘટી જશે તેવા ડરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં ખચકાટ અનુભવે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ વધુ ઉપજ મેળવવી શક્ય છે. જેના ઉદાહરણ રૂપે તેમણે હરિયાણામાં પોતાના ખેતર વિશેના અનુભવને વિગતવાર વર્ણવીને ખેડૂતોને પ્રેરિત કર્યાં હતાં.

આજે  પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક ખેતી વિશે વાત કરવાનો અવસર આપવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી.

આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા તરફ પ્રેરિત થાય તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેત પેદાશો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણ તેમજ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના પરિણામે ઘણા ધરતીપુત્રો આજે પ્રાકૃતિક કૃષિ કરી અન્ય ખેડૂતોને આ માટે પ્રેરિત કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ તેમણે રાજ્યપાલશ્રીનો આભાર માન્યો હતો.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ ડાયરેકટર શ્રી વિક્રમસિંહ ચૌહાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની કામગીરીની માહિતી આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરી ખેતરમાં વાવેતર કરવામાં આવેલા વિવિધ પાકો ડ્રેગન ફ્રુટ, પપૈયા વગેરેનું નિરીક્ષણ કરીને ઉપજની માવજત માટે ખેડૂત રામભાઈ આંબલીયાની સરાહના  કરી હતી, તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૯૬૮૮ એકર જમીનમાં  પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે તબક્કામાં કુલ ૭૮૦ તાલીમનું આયોજન કરી ૩૧,૬૪૯ ખેડૂતોને  પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં કલેકટર એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન. ડઢાણીયા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી પી.એસ. જાડેજા સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

(2:15 PM IST)