તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
સુરેન્દ્રનગરમાં ત્રણ કારના શો-રૂમમાં તસ્કરો ત્રાટકયાઃ સાડા બાર લાખ રોકડા લઇ ગયા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૫: વઢવાણ રોડ પર નજીક-નજીકમાં આવેલ કારના ૩ શો રૂમમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં કેશીયરની કેબીનમાં ટેબલના ડ્રોઅર તોડી તેમાંથી રૂપીયા ૧૨,૪૬,૨૬૬ રોકડા ચોરી કરીને લઈ ગયા હતા.
સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર વિવિધ કંપનીના કાર અને બાઈકના શો રૂમો આવેલા છે. જેમાં બોડા તળાવ સામે આવેલ ટાટા મોટર્સ શો રૂમ, તેની પાસે આવેલ નેકસા વર્કશોપ અને વઢવાણ એપીએમસી સામે આવેલ મારૂતી અરેના શો રૂમમાં રવીવારે રાતના અંદાજે ૧-૪૫ થી ૩-૩૦ના સમયગાળામાં તસ્કરોએ ખાતર પાડયુ હતુ. તસ્કરોએ ટાટા મોટર્સના શો રૂમમાં કેશીયરની કેબીનના ર ટેબલના ડ્રોઅરના લોક તોડી તીમાંથી રૂપીયા ૧૦,૨૨,૫૬૬ રોકડાની ચોરી કરી હતી. જયારે નેકસા વર્કશોપમાંથી ૧,૧૬,૭૦૦ ચોરાયા હતા. મારૂતી અરેના શો રૂમમાં કેશીયરની કેબીનમાં નાની સાઈઝનો સેઈફ ડીપોઝીટ વોલ્ટ હતો જે તસ્કરો ઉઠાવી ગયા હતા. જેમાં અંદાજે રૂપીયા ૧,૦૭,૦૦૦ હતા. આમ, ત્રણેય સ્થળે મળી કુલ રૂપીયા ૧૨,૪૬,૨૬૬ની ચોરી થઈ હતી.
સોમવારે સપ્તાહની શરૂઆતે ફરજ પર આવેલા શો રૂમના કર્મીઓને ચોરી થયાની જાણ થઈ હતી. અને સીસીટીવી ચેક કરતા આ સમયગાળા દરમીયાન ૩ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. બનાવની ટાટા મોટર્સના કર્મચારી અલકાપુરી ચોક પાસે આવેલ પ્રોફેસર સોસાયટીમાં રહેતા ઈશાન ફુલભાઈ ઠાકરે બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ૩ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પ્રોબેશનલ ડીવાયએસપી રીધ્ધી ગુપ્તે ચલાવી રહ્યા છે.
સેઈફ ડિપોઝિટ વોલ્ટનો દરવાજો ભોગાવા નદીમાંથી મળી આવ્યો
એસપી ડો. ગીરીશકુમાર પંડયાના માર્ગદર્શનથી પ્રોબેશનલ ડીવાયએસપી રીધ્ધી ગુપ્તે, સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણ સહિતની ટીમો શો રૂમ પર દોડી ગઈ હતી. જેમાં તપાસ કરતા ચોરી થયેલ સેઈફ ડીપોઝીટ વોલ્ટનો નંબરો સાથેનો દરવાજો શહેરની ભોગાવા નદીમાંથી મળી આવ્યો હતો.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
