<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

માળીયા મીંયાણાના ચીખલી ગામના પિતા-પુત્રે ધ્રાંગધ્રાના પીપળી ગામના માલધારીની ૫૦ ગાયો ગાયબ કરી દીધી

પશુઓની છેતરપીંડીની ઘટનાઃ અનેક ગાયોની કતલ કરી નાખી હોવાની ફરીયાદ નોંધાતા તપાસનો ધમધમાટ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૫: સુરેન્‍દ્રનગરમાં પોન્‍ઝી સ્‍કીમ બાદ હવે પશુઓની છેતરપિંડીની ઘટના સામે આવી છે. પીપળી ગામના માલધારીએ તેની ૫૦ ગાયોને માળીયા તાલુકાના ચીખલી ગામે રહેતા પિતા પુત્રને આપી હતી.માલધારીએ પિતા અને પુત્રને ચરાવવા આપી હતી, પરંતુ બાદમાં માલધારીએ પોતાની ગાયો પરત માંગતા પિતા-પુત્રએ ગાયો પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. પીપળી ગામના માલધારીઓ બન્ને આરોપીઓ સામે ૫૦ ગાયો ગાયબ કરી ૪ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાને લઇ માલધારીઓમાં રોષ ફેલાયો છે. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચીખલી ગામના પિતા-પુત્ર મુસ્‍તાક અમીનભાઈ લધાણી અને અમીન કરીમભાઈ લધાણી સામે માલધારીઓની ગાયો ચરાવવા લઈ જઈ તેની કતલ કરી નાંખી હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવમાં મોરબી ઉપરાંત સુરેન્‍દ્રનગર અને કચ્‍છ જિલ્લામાં પણ આ રીતે માલધારીઓની ગાયો પડાવી લીધા હોવાની આશંકા સેવાઈ રહી હતી. ત્‍યારે માળીયામાં ૦ નંબરથી ફરિયાદ દાખલ થઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આવી છે.

ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ પીપળા ગામે રહેતા ૪૨ વર્ષીય ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર ઘાસચારાની અછત હોય તેઓ ગાયો ચરાવવા આપે છે. વર્ષ ૨૦૨૩માં તેઓ માળીયા તાલુકાના ચીખલી ગામના પિતા-પુત્ર મુસ્‍તાક અને અમીનભાઈના સંપર્કમાં આવ્‍યા હતા. જેમાં ગોપાલભાઈ ગોલતર અને કુટુંબીભાઈ મફાભાઈ વેલાભાઈ ગોલતરની ૫૦ ગાયો તેઓને આપી હતી. જેમાં ગાય ચરાવવાના મહીને રૂપીયા ૩૦૦ નક્કી કરાયા હતા. દોઢ-બે માસ પહેલા તેઓએ જઈને જોતા ગાયો નજરે નહી પડતા બન્નેએ વીડીમાં ચરવા ગઈ હોવાનું જણાવ્‍યુ હતુ. ગત તા. ૭-૧-૨૫ના રોજ તેઓને આ બન્ને પિતા-પુત્રે અન્‍ય લોકોની પણ ગાયો લઈ કતલ કરી નાંખી હોવાની જાણ થઈ હતી. આથી પિતા-પુત્ર સામે રૂપીયા ૨.૫૦ લાખની ૫૦ ગાયો લઈ જઈ પરત ન આપ્‍યાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ૦ નંબરથી નોંધાઈ છે. વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે

(11:59 AM IST)