<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

વાંસજાળિયા ગામે રૂ.૬.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મેજરબ્રિજનું કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત કરાયું

મેજરબ્રીજના નિર્માણ થકી અંદાજે ૪૫હજાર જેટલા લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે: મંત્રી

જામનગર: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ પામનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૬કરોડ ૫૬લાખના ખર્ચે નિર્માણ પામનાર ૬ ગાળાનો મેજરબ્રીજ ૧૧૧.૬૦ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો બનશે. વાંસજાળિયા, તરસાઇ,સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને બ્રિજનું નિર્માણ થવાથી ફાયદો થશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, જે રસ્તા પર બ્રિજનું નિર્માણ થશે તે રસ્તો જામનગર જીલ્લાને પોરબંદર જીલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. આ રોડ પરના વાંસજાળિયા ગામે આવેલ કોઝવે પરથી ચોમાસા દરમ્યાન પાણી ઓવરટોપિંગ થતું હોવાથી આ રસ્તો બંધ રહેવાના કારણે લોકોને હનુમાનગઢ થી જામજોધપુર જવા માટે આશરે ૧૫ કિમી જેટલું વધુ અંતર કાપવું પડતું હતું. પરંતુ મેજર બ્રિજનું કામ મંજુર થતા ૪૫૦૦૦ જેટલા લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લોકો તેની મુલકાત લેતા હોવાથી હવેથી વાહનચાલકોને પણ સરળતા રહેશે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓ ગોવીંદભાઈ બડીયાવદ્રા, જેઠાભાઈ, ભુપતભાઈ, સરપંચઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:19 PM IST)