<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

બેટ દ્વારકામાં પ દિ' માં દબાણ હટાવ ઝૂંબેશથી પર.૮૪ કરોડની જમીન ખુલ્લી

ડીમોલીશન કાર્ય બાદ હવે જનજીવન ફરી ધબકતુ થયુઃ પ્રવાસીઓ, ભાવિકો આવવા લાગ્‍યા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૬: દેવભુમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા વિસ્‍તારમાં જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે તથા તેમની ટીમના એકાદ હજાર પોલીસકર્મી તથા અધિકારીઓ ડી.વાય.એસ.પી. ડો.હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તથા ઇન્‍ચાર્જ કલેકટરશ્રી એ.બી. પાંડોરના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી અમોલ આમટે, મામલતદાર દ્વારકા તથા ઓખા પાલિકા ચીફ ઓફીસર શ્રી શુકલાની આગેવાનીમાં ગત તા.૧૧/૧ને શનિવારથી મેગા ડિમોલેશન શરૂ થયું હતું જે ગઇકાલે પાંચ દિવસ સતત ચાલુ રહયું હતું. તથા ૫૨.૮૪ કરોડની જમીન ખુલ્લી થઇ હતી તથા આજે છઠ્ઠા દિવસે પણ ડિમોલેશન ચાલુ છે જે ચુસ્‍ત કડક બંદોબસ્‍ત હેઠળ શરૂ છે.

ગઇકાલે સવારથી સાંજ સુધીમાં બેટ દ્વારકામાં પાર વિસ્‍તાર તથા હનુમાન દાંડી વિસ્‍તારમાં સવારથી સાંજ સુધી દબાણ હટાવો કાર્યવાહી જેસીબી હિટાચી સાથે ચાલુ કરી હતી. તથા સાંજ સુધીમાં ૫૦ દબાણો દુર થયા હતા.

સતત દબાણ હટાવો ઓપરેશનને કારણે બેટ દ્વારકામાં ૫૨.૮૪ કરોડની કિંમતની એક લાખ ચોરસ ફુટ ઉપરાંતની જમીનો ખાલી થતાં ઓખામાં ઠેર-ઠેર મકાનનો કાટમાળ ઇંટો પથ્‍થર કાંકળીના ઢગલા જેવી સ્‍થિતિમાં ફેરવાઇ ગયું છે.

બેટ દ્વારકા સંવેદનશીલ હોય તથા અહીં આંતરીક તથા આંતરરાષ્‍ટ્રીય સુરક્ષાની દ્રષ્‍ટિએ પણ ખુબ જ મહત્‍વનું હોય શનિવારથી દબાણ હટાવો ઓપરેશનના પગલે પોલીસ દ્વારા સુદર્શન સેતુ બંધ કરીને બજારો પણ બંધ રાખીને યાત્રિકો પ્રવાસીને પણ મનાઇ ફરમાવવામાં આવી હતી. પરંતુ ગઇકાલથી બેટ દ્વારકા મંદિર તથા હનુમાન દાંડી, ૮૪ ધુણા તથા મંદિરોમાં યાત્રિકોને જવાનું ખુલ્લુ કરતા ફરી બેટ દ્વારકા સુદર્શન સેતુ મુસાફરો યાત્રિકોથી ધમધમતા થયા હતા તથા પોલીસ બંદોબસ્‍ત ચાલુ છતાં લોકો આરામથી ફરી રહયા છે. જોકે કાટમાળના વિશાળ ઢગલા પ્રવાસીઓના આકર્ષણ ખેંચવાનું કેન્‍દ્ર બનેલા છે

(12:06 PM IST)