<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ઝટકા મશીનના શોટે કેનેડીના યુવાનનો ભોગ લીધો

ખંભાળિયામાં યુવાન પર બાઈક ચડાવવાનો પ્રયાસઃ મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ગુનો

જામ ખંભાળિયા, તા.૧૬: કલ્‍યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા દિનેશભાઈ રત્‍નાભાઈ નકુમ નામના ૩૪ વર્ષના દલવાડી યુવાન પોતે ભાગમાં રાખેલી વાડીમાં નિંદામણ કરવા માટે ગયા હતા. ત્‍યારે કોઈ અગમ્‍ય કારણોસર અહીં રહેલા ઝટકા મશીનના વાયરમાં તેઓ અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્‍યો હતો. જેના કારણે તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પિતા રત્‍નાભાઈ સવજીભાઈ નકુમ (ઉ.વ. ૬૫, રહે. કેનેડી) એ સ્‍થાનિક પોલીસને કરી છે.

ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્‍તારમાં રહેતા અને ગેરેજ કામ કરતા મયંકભાઈ ડાયાભાઈ નકુમ નામના ૨૬ વર્ષના યુવાન મંગળવારે મકરસંક્રાંતિના દિવસે પોતાના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયામાં રહેતા તેના ફઈબા ના ઘરે જઈ રહ્યા હતા. ત્‍યારે અહીંના જોધપુર ગેઈટ વિસ્‍તારમાં પહોંચતા અહીં ત્રિપલ સવારીમાં આવેલા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઈ બગડા (રહે. ખોડીયાર ચોક), સચિન કરમણભાઈ ચોપડા અને અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સ સાથેના ત્રીપલ સવારી મોટરસાયકલ પરના આ શખ્‍સોએ ફરિયાદી મયંકભાઈ ઉપર મોટરસાયકલ ચડાવવાની કોશિશ કરી હતી.

જેથી મયંકભાઈએ મોટરસાયકલ ઉભી રાખીને સમજાવવા જતા આરોપીઓએ તેમને ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આમ, ત્રણેય આરોપીઓ એકસંપ કરી, તેમને ગાળો ભાંડી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આગળની તપાસ કોન્‍સ્‍ટેબલ એલ.વી. જાદવ ચલાવી રહ્યા છે.

દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી

દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્‍તારમાં રહેતા અને હોટેલના વ્‍યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના ૩૦ વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્‍સોએ ફોન કરીને બોલાવી, તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

આટલું જ નહીં, આરોપીએ ગાળો કાઢી, ફ્રેક્‍ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. તપાસ પી.એસ.આઈ. ચુડાસમાએ હાથ ધરી છે.

દ્વારકામાં માછીમાર સામે કાર્યવાહી

દ્વારકાના રૂપેણબંદર વિસ્‍તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્‍માઈલ પટેલીયા નામના ૪૦ વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્‍ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્‍પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્‍ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્‍સની શરતોને ભંગ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્‍ત શખ્‍સ સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા, સલાયા, ભાણવડમાંથી જુગાર રમતા સાત ઝડપાયા, એક ફરાર

ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્‍તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા અજય જયંતીભાઈ ગોદળીયા અને કમલેશ દિનેશભાઈ ગોદળીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે મોડી રાત૩ ગંજીપાના વડે જુગાર રમી રહેલા રસીદ આદમ સંઘાર, નજીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડિયા અને મહેબૂબ સુમાર ગજીયા નામના ચાર શખ્‍સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્‍યો હતો. આ પ્રકરણમાં અકબર ઉર્ફે ડાડો મમુ સૈયદ નામનો શખ્‍સ ફરાર જાહેર થયો છે.

ભાણવડ પોલીસે આંબરડી ગામના સંજય રણમલ કોટા નામના ૨૮ વર્ષના શખ્‍સને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:07 PM IST)