તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
પોરબંદરમાં ભૂપેન્દ્રભાઇ પટેલનો આવતીકાલનો કાર્યક્રમ રદ
દરિયામાં જેતપુર સાડી ઉદ્યોગોનું ઝેરી કેમીકલ્સયુકત પાણી પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆતો થાય તેવી સંભાવનાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇનો સ્વામિત્વ યોજનાનો છેલ્લી ઘડીએ કાર્યક્રમ ‘‘કેન્સલ'' કરાયો : અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદર આવ્યા ત્યારે દરિયામાં પ્રદુષિત પાણી નહીં ઠાલવવા અને આ પ્રશ્ને રસ્તો કાઢવા પોરબંદરવાસીઓને જણાવ્યું હતું તે વચનને બદલે સરકારની યોજના મુજબ દરિયામાં ઝેરી કેમીકલ્સવાળુ પાણી ઠાલવવાની પાઇપલાઇન બિછાવવાનું કામ પુરજોશમાં શરૂ થયું અને ખારવા સમાજ દ્વારા વિરોધમાં અન્ય તમામ સમાજ જોડાયા

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આવતીકાલનો પોરબંદરમાં સ્વામિત્વ યોજનાનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇનો પોરબંદરનો આવતીકાલનો કાર્યક્રમ અનિવાર્ય સંજોગોને લીધે રદ થયાનું બહાર આવ્યું છે પરંતુ જેતપુર સાડી ઉદ્યોગનું કેમીકલ્સયુકત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની સરકારની યોજનાનો લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો હોય મુખ્યમંત્રી સામે પોરબંદરના શહેરીજનો દ્વારા જેતપુર સાડી ઉદ્યોગના ઝેરી પાણી દરિયામાં છોડવા સામે ઉગ્ર વિરોધ થાય તેવી સંભાવના ઉભી થતા મુખ્યમંત્રીઓ પોરબંદરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યાની ચર્ચા છે.
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જેતપુરના ઝેરી કેમીકલ્સયુકત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરાઇ હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વચન આપેલ કે પોરબંદરના દરિયામાં જેતપુર સાડી ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ઠલવાશે નહીં અને આ પ્રશ્ને રસ્તો કાઢવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના વચન બાદ પોરબંદરના દરિયામાં જેતપુર સાડી ઉદ્યોગોનું ઝેરી કેમીકલ્સયુકત પાણી છોડવાની સરકારની યોજના હેઠળ જેતપુરથી પોરબંદર સુધી પાઇપલાઇન બિછાવવાનું કામ પુરજોશથી શરૂ કરી દેવામાં આવતા ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવીને ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢીને અડધો દિવસ બંધ પાડયો હતો.
ખારવા સમાજ દ્વારા આ ઉગ્ર વિરોધમાં અન્ય તમામ સમાજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો જોડાઇને ટેકો આપ્યો હતો.
પોરબંદરના દરિયામાં ઝેરી કેમીકલ્સ યુકત પાણી છોડવા સામે હજુ વિરોધ ચાલુ છે અને આ પ્રશ્ને કાનૂની લડત લેવા ચીમકી અપાઇ છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
