News of Friday, 17th January 2025
લોધીકાના ઢોલરા ગામે ૧૦ ચોપડી ભણેલો મુન્નાભાઇ એમબીબીએસ પકડાયો
સડક પીપળીયા ગામે હોમીયોપેથીકના બદલે એલોપેથીક પ્રેકટીસ કરતા તબીબી સામે રૂરલ એસઓજીની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૭: રૂરલ એસઓજીએ લોધીકાના ઢોલરા ગામે ૧૦ ચોપડી ભણેલા મુન્નાભાઇ એમબીબીએસ તથા ગોંડલના સડક પીપળીયા ગામે હોમીયોપેથીકના બદલે એલોપેથીક પ્રેકટીસ કરતા તબીબને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
રૂરલ એસ.પી. દિપકસિંહે જિલ્લામાંૅ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને શોધી કાઢવા અનેક સુચના અન્વયે રૂરલ એસઓજીના પી.આઇ. એફ.એમ. પારધી તથા પી.એસ.આઇ. બી.સી. મિયાત્રા સહિતના સ્ટાફે લોધીકાના ઢોલરા ગામે ચંદુભાઇ બચુભાઇ કાકડીયાના મકાનમાં ભાડેથી કલીનીક ચલાવતા રાજેશ ભીખાભાઇ મારડીયા રે. મવડી ચોકડી આર.કે. એમ્પાયરની પાછળ, જલારામ સોસાયટી-૧ ને ત્યાં તપાસ કરતા રાજેશ પાસેથી તબીબીને લગતી કોઇ ડિગ્રી મળી ન આવતા તેની સામે ગુન્હો દાખલ કરી અટકાયત કરી હતી.
પકડાયેલ બોગસ તબીબ રાજેશ મારડીયા ૧૦ ચોપડી ભણેલો છે અને અગાઉ રાજકોટમાં અલગ અલગ કલીનીકમાં નોકરી કરતો હોય તે અનુભવના આધારે ઢોલરા ગામે છેલ્લા પાંચ વર્ષથી કલીનીક ખોલી નાંખી દર્દીના જીંદગી સાથે ચેડા કરતો હતો.
તેમજ રૂરલ એસઓજીએ ગોંડલના સડક પીપળીયા ગામે શ્રીજી કલીનીકમાં તપાસ કરતા ડો. રાજુ રાણાભાઇ ચૌહાણ પાસે હોમીયોપેથીકની ડિગ્રી હોવાનું અને એલોપેથીકની પ્રેકટીસ કરતા તેના કબ્જામાંથી ઇન્જેકશન બાટલા તથા દવાઓ મળી કુલ ર૭,પ૪૩ નો મુદામાલ કબ્જે કરી રાજુ ચૌહાણ રે. હાલ ભરૂડી ગામ સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.
આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઇ જયવીરસિંહ રાણા, અમીતભાઇ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નિરંજન, અતુલભાઇ ડાભી, હેડ કો. હિતેશભાઇ અગ્રાવત, પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડા, શિવરાજભાઇ ખાચર, પો.કો. વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ બેડ તથા ચિરાગભાઇ કોઠીવાર સહિતનો સ્ટાફઓ હતા.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
