તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
આ લ્યો…સોશ્યલ મીડિયામાં એકના ચાર ગણા રૂપિયાની જાહેરાત જોઈ લાલચમાં ફસાઈ રાજસ્થાનના યુવાને ૧.૭૦ લાખ ગુમાવ્યા
કચ્છના ભચાઉમાં ચીટર ગેંગે નકલી નોટો બતાવી અસલી રૂપિયા લૂંટી લીધા : ઠગાઈનો ખ્યાલ આવતા ફરિયાદીએ સોદો ફોક કરવાનું કહેતા છરીની અણીએ ચીટર ગેંગે રૂપિયા ઝૂંટવી તેને કારની બહાર ધક્કો મારી ફેંકી દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : લાલચ બૂરી બલા હૈ… વડીલોની આ કહેવત અમસ્તી નહોતી. પરંતુ ઝડપભેર રૂપિયા મળી જશે એવી લાલચમાં મહેનતના રૂપિયા ગુમાવી દેવાય છે અને જ્યારે ખબર પડે ત્યાં સુધી ખૂબ મોડું થઈ જાય છે. રાજસ્થાનના નાગોરમાં રહેતા સ્ટીલ રેલિંગ અને ફર્નિચરનો વ્યાપાર કરતા માનસિંગ કુલદીપ શેખાવતએ ઇન્સ્ટાગ્રામમાં થેલા અને ખોખા ભરેલી નોટો જોઈ આ વ્યક્તિનો સંપર્ક કરતા એમણે એકના ચાર ગણા રૂપિયા કરી દેવાની લાલચે ફરિયાદીને રાજસ્થાનથી કચ્છમાં ગાંધીધામ બોલાવી નોટોના બંડલો બતાવ્યા. ફરિયાદી ને ખાત્રી થઈ ત્યારબાદ તે ફરી રાજસ્થાન જઈ બીજી જાન્યુઆરીએ ભાઈ સાથે ગાંધીધામ આવતા આરોપી ચીટર ગેંગે અંજાર બોલાવ્યો ત્યાંથી તેને ગાંધીધામ પુલિયા નીચે બોલાવ્યો. તેના ભાઈને બહાર ઉભવાનું કહી ફરિયાદીને કારમાં બેસાડી ભચાઉ તરફ રવાના થયા. ૧.૭૦ લાખના બદલે ૬.૮૦ લાખ મળશે એની રાહ જોઈ કારમાં બેઠેલ ફરિયાદીને સફેદ કાગળો આપ્યા. ઠગાઈનો ખ્યાલ આવતા ફરિયાદીએ સોદો ફોક કરવાનું કહેતા છરીની અણીએ ચીટર ગેંગે રૂપિયા ૧.૭૦ લાખ ઝૂંટવી તેને કારની બહાર ધક્કો મારી ફેંકી દીધો હતો. હવે મામલો પોલીસ સ્ટેશનમાં છે. આ ચીટર ગેંગ આમ તો પાધરી જ છે પોલીસ અગાઉની જેમ એમનો નકાબ ક્યારે ઉતારે છે? એ જોવું રહ્યું.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
