<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

દ્વારકા અને આરંભડામાં દબાણ હટાવ ઝુંબેશના મંડાણ : ૬૦૦નો પોલીસ કાફલો

દ્વારકાના રૂક્ષ્મણી મંદિર સામે, સનસેટ પોઇન્‍ટ પાસે તથા આરંભડા અને અર્મદા ગામે સરકારી જગ્‍યા પરના ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્‍યું: એસપી નિતેશકુમાર પાંડે અને પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં કાર્યવાહી

 (વિનુભાઈ સામાણી-કૌશલ સવજાણી  દ્વારા) દ્વારકા,ખંભાળીયા,  તા.,૧૮: દ્વારકામા ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે દાદાનુ બુલડોઝર દ્વારકામા આવી પહોંચ્‍યું છે. આજે સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

દ્વારકાના રૂક્ષ્મણી મંદિર સામે આવેલ સરકારી જગ્‍યા પર ના ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્‍યું છે. આ ઉપરાંત આરંભડામાં પણ સરકારી જમીન ઉપરનું દબાણ દુર કરવામાં આવ્‍યું છે. પાંચ જેટલી જગ્‍યાઓ ઉપર દબાણ દુર કરવામાં આવ્‍યું છે.  ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે દ્વારકામા અનેક દબાણ દૂર કરવામા આવશે.

દરમિયાન જાણવા મળ્‍યા મુજબ આજે દેવભુમી દ્વારકા અને આરંભડામાં પ ધાર્મિક સ્‍થળો ઉપરનું દબાણ દુર કરવા ડિમોલીશન કામગીરી હાથ ધરાઇ છે.

જેમાં એસપી નિતેશકુમાર પાંડે અને પ્રાંત અધિકારી અમોલ આવટેની આગેવાનીમાં ૬૦૦ જેટલો પોલીસસ્‍ટાફ બંદોબસ્‍તમાં રોકાયેલ છે. દ્વારકાના રૂક્ષ્મણી રોડ ઉપર દ્વારકા-ઓખા હાઇવે ઉપર આજે સવારે પ્રાંત અધિકારી અમોલ આવટે, પાલીકાના ચીફ ઓફીસર, વહીવટી તંત્ર અને સ્‍ટાફ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ધાર્મિક સ્‍થળને જમીનદોસ્‍ત કરવામાં આવ્‍યું હતું.

જયારે દ્વારકા-ઓખા વચ્‍ચે આરંભડા હાઇવે ઉપર બનાવવામાં આવેલ એક ધાર્મિક સ્‍થળને પણ જમીનદોસ્‍ત કરવામાં આવ્‍યું હતું.

દ્વારકાના સનસેટ પોઇન્‍ટ પર આવેલા ધાર્મિક દબાણ પણ તંત્ર દ્વારા દુર કરાયું છે. આજે તંત્ર દ્વારા ૩ ધાર્મિક દબાણો ઓખામંડળમાંથી હટાવવામાં આવ્‍યા છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણ દુર કરવા કામગીરી યથાવત છે. દ્વારકામાંથી બે ધાર્મિક દબાણ અને ઓખામંડળના અર્મદા ગામે એક દબાણ હટાવીને સરકારી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(2:20 PM IST)