<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

કંડલા પોર્ટના અધિકારીને ડિજીટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ રૂ.૩૬.૬૩ લાખ પડાવ્યાં

દુબઈ જતા પાર્સલમાં ખાખી વરદી, ડ્રગ્ઝ હોવાનો પ્રપંચ: મુંબઈના પીઆઈ તરીકે ઓળખ આપી : રાત-દિવસ કલાકો સુધી ડિજીટલ અરેસ્ટમાં રાખ્યાં

ગાંધીધામઃ કંડલા પોર્ટના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મુંબઈ પોલીસ બનીને ગઠિયાઓએ ડિજીટલ અરેસ્ટ કરી ૩૬.૬૩ લાખ રૂપિયા પડાવી લીધાં છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આઈટી એક્ટ સહિતની વિવિધ ભારેખમ કલમો તળે ત્રણ મોબાઈલ ધારકો વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

મૂળ આંધ્રપ્રદેશના વતની અને કંડલા પોર્ટમાં ૨૨ વર્ષથી નોકરી કરતાં બાવન વર્ષિય સાંઈ એસ. શાસ્ત્રી ચીવુકુલા (રહે. વોર્ડ નંબર ૧૦-એ, ગુરુકુળ પાછળ, ગાંધીધામ)ને ૧૧ જાન્યુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવેલો.

 

પોતે ઈન્ડિયા પોસ્ટ ઈન્ટરનેશનલ સર્વિસની મુંબઈની અંધેરી ઈસ્ટ બ્રાન્ચમાંથી દીપકકુમાર બોલતો હોવાની ઓળખાણ આપીને ગઠિયાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડના નંબરનો દુરુપયોગ કરીને મુંબઈથી એક પાર્સલ દુબઈ મોકલાતું હતું. તેને મુંબઈ પોલીસે જપ્ત કરી લીધું છે. બાદમાં આ ગઠિયાએ મુંબઈ પોલીસને ફોન ફોરવર્ડ કરેલો.

બીજા ગઠિયાએ મુંબઈના એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રશાંત પાટીલ હોવાની ઓળખ આપીને ફરિયાદીને જણાવ્યું હતું કે પાર્સલમાંથી પોલીસનો યુનિફોર્મ, ઓળખકાર્ડ અને ડ્રગ્ઝ મળ્યાં છે.

પાટીલે થોડીકવાર બાદ વોટસએપ પર ફરિયાદીને વીડિયો કૉલ કરેલો. જેમાં તેણે પોલીસ વરદી પહેરેલી અને ફરિયાદીની પૂછપરછ શરૂ કરેલી. ગઠિયાએ તમારી સામે મની લોન્ડરીંગ અને ડ્રગ્ઝનો કેસ હોવાનું જણાવીને સુપ્રીમ કૉર્ટમાં દાખલ થયેલાં કેસ તથા રીઝર્વ બેન્કના લેટર સહિતના ફેક લેટર મોકલીને ફરિયાદીને તેની સામે કેસ થયો હોવાનો વિશ્વાસ અપાવેલો.

 

ગઠિયાઓએ સાંઈને મોબાઈલ ફોન મારફતે નજરકેદ કરી લીધો હતો. દિવસ અને રાત્રે કલાકો સુધી વોટસએપ વોઈસ કૉલ ચાલું રખાવતાં. ધરપકડ થવાની, ત્રણ મહિના સુધી જેલમાં રહેવાની મેસેજ પાઠવી તથા વાત કરીને ધમકી આપતાં. પૂછ્યાં વગર ઘર બહાર નહીં જવા અને જવાનું થાય તો આગોતરી જાણ કરવાની ચીમકી આપતાં.

 

ફરિયાદીને તપાસમાં રાહત આપવાનું બહાનું કરીને ખાતામાં પડેલા નાણાં આરબીઆઈએ દર્શાવેલાં એકાઉન્ટમાં જમા કરાવવા અને તપાસ પૂરી થયે પાછાં મળી જશે તેમ જણાવેલું. ડરી ગયેલાં ફરિયાદીએ તેમના કહેવા મુજબ ૧૮ લાખ ૩૧ હજાર ૫૨૦ રૂપિયા પશ્ચિમ બંગાળના સિલિગુડીની ICICI બેન્કની બ્રાન્ચમાં RTGS કરાવ્યાં હતાં.

 

બીજા દિવસે ગઠિયાઓએ ફરિયાદીને ફોન કરીને ધમકાવ્યો હતો કે તમારા ખાતામાં વધુ રુપિયા હોવા છતાં કેમ ઓછાં રૂપિયા જમા કરાવ્યાં છે જેથી ફરિયાદીએ વાસી ઉત્તરાણયના દિવસે બેન્કમાં જઈ ગઠિયાઓએ DBS બેન્ક, કર્ણાટક બ્રાન્ચમાં ફરી તેટલાં જ રૂપિયા RTGSથી ટ્રાન્સફર કરાવ્યાં હતાં. ૩૬.૬૩ લાખ રૂપિયા જમા કરાવ્યાં બાદ બીજા દિવસે ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું.

(4:08 PM IST)