<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ઉત્તર ગુજરાત (સંડેર)માં ખોડલધામનું નિર્માણ કરાશે : ૨૧ મીએ ભવ્‍ય શિલાપૂજન સમારોહ

કાગવડ સ્‍થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવને ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે મા ખોડલનો રથનું ૨૮ દિવસ પરિભ્રમણ : અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામા આમંત્રણ રથ ઘુમી વળ્‍યો


 

રાજકોટ તા. ૨૦ : આગામી તા. ૨૧ જાન્‍યુઆરીના કાગવડ સ્‍થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવને ૮ વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્‍યારે આ પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવા તા.૨૧ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના ૧૦૦૮ શિલાપૂજન સમારોહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્‍યામાં શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ૨૧ને મંગળવારના  સવારે ૭ વાગ્‍યાથી શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ૧૦૦૮ યજમાન પરિવારો દ્વારા ૧૦૦૮ શિલાઓનું પૂજન કરવામાં આવશે.

હિંદુ શાષાોક્‍ત વિધિથી શાષાી મહેતા પ્રદ્યુમ્‍ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્વારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવશે. શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્‍તુઓ યજમાન પરિવારને ભેટ સ્‍વરૂપે આપવામાં આવશે. જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્‍યાની યાદગીરી રાખીને ધન્‍યતા અનુભવી શકે.

આ શિલાપૂજન સમારોહમાં ઠેર-ઠેરથી ભાવિકો પધારશે. જેના માટે ટ્રસ્‍ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે.

શિલાપૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્‍ટીશ્રીઓ, દાતાશ્રીઓ, સંગઠન ટીમ, યજમાનશ્રીઓ, તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્‍ય બેઠક વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા મા ખોડલનો રથનું ૨૮ દિવસ પરિભ્રમણ થશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામા આ આમંત્રણ રથ ફર્યો હતો. કુલ ૨૮ દિવસમાં મા ખોડલનો રથ ૨૫૦થી વધુ ગામડા અને શહેરી વિસ્‍તારમાં ૩ હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો.

ગામડે ગામડે અને સોસાયટી સોસાયટીમાં મા ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી. સાથે જ દરેક ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે.

(11:16 AM IST)