<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

૧૮ લાખની ખોટી ઉઘરાણી કરી ધમકી આપતા ભીતાણા ગામના યુવકે ગળાફાંસો ખાધો

મેખડીનાં શખ્‍સના ત્રાસથી વંથલીના ગાદોઈ ગામે ફઇની વાડીએ મોતને મીઠું કર્યું

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ :  માણાવદર તાલુકાના ભીતાણા ગામના રાજેશભાઈ હમીરભાઈ ચાવડાએ વંથલી તાલુકાના ગાદોઈ રહેતા ફઈનાં પુત્ર મનીષભાઈ હુંબલની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

આ બારામાં મળતકના ભાઇ મુકેશભાઈ ચાવડાએ માંગરોળ તાલુકાના મેખડી ગામના નાગાજણ આંત્રોલીયા વિરુદ્ધ રૂપિયા ૧૮ લાખની ખોટી માગણી કરી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વંથલી પોલીસ મથકમાં થયેલી ફરિયાદ મુજબ મળતક રાજેશભાઈએ દેવભૂમિ દ્વારકાના લાંબા બંદર ખાતે વર્ષ ૨૦૧૬માં દૂધની ડેરી શરૂ કરી હતી.

પરંતુ નુકસાન જતા વર્ષ ૨૦૨૩માં ડેરી બંધ કરી દીધી હતી. દૂધના લેણાના રૂપિયા પોતાની પાસે ન હોવાથી અલગ અલગ વ્‍યક્‍તિઓને ચેક આપ્‍યા હતા. ચેક બાઉન્‍સ થતાં કેસ દાખલ થયો હતો. જેમાં જામીન પર છૂટી ગયા હતા. એક વર્ષ પહેલા રાજેશભાઈ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

આ દરમિયાન મેખડીના નાગાજણ આંત્રોલીયાએ ઘરે ફોન કરી રાજેશભાઈ પાસે રૂપિયા ૧૮ લાખ લેવાના છે તેને ડેરીનો ધંધો કરવા માટે આપ્‍યા હતા તેમ કહીને ધમકી આપી હતી. અને શખ્‍સે ગાદોઇ રહેતા ફઈના પુત્ર મનીષભાઈ હુંબલને પણ જાણ કરી હતી.

પરંતુ રાજેશભાઈએ નાગાજણને કોઈ રૂપિયા દેવાના નથી તેને હિસાબ આપી દીધો હોવા છતાં ખોટી રીતે રૂપિયા પડાવવા હેરાન કરતો હોવાનું કહ્યું હતું. શખ્‍સની બીકથી સોમવારે મનીષભાઈની વાડીએ રાજેશભાઈએ ગળાફાંસો ખાઇ લીધો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધી વંથલીનાં પીએસઆઇ આર. વી. આહીરે તપાસ હાથ ધરી હતી.

(10:57 AM IST)