<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જુનાગઢ મહાનગર સાથે જિલ્લાની ૬ પાલિકાની ચૂંટણીના પગલે આચારસંહિતા અમલી

તંત્ર એક્‍શન મોડ પર, રાજકીય તથા સરકારી યોજનાઓના બેનરો વગેરે દૂર કરવા તજવીજ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૨: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત ના અમલ સાથે રાજ્‍યના ચૂંટણી પંચે જુનાગઢ મહાનગર સાથે ૬૬ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ જાહેર કરી છે.

આ ચૂંટણીની મતગણતરી અને પરિણામ ૧૮ ફેબ્રુઆરીએ રાખવામાં આવ્‍યું છે.

જુનાગઢ મહાનગરપાલિકાની સાથે જૂનાગઢ જિલ્લાની બાટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે.

ચૂંટણીનું જાહેરનામું ૨૭ જાન્‍યુઆરીએ પ્રસિદ્ધ થશે. જ્‍યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૪ ફેબ્રુઆરી મૂકરર કરવામાં આવી છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ સવારના ૭થી સાંજના ૬ સુધી મતદાન થશે અને મત ગણતરી ૧૮ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે આચાર સહિતા અમલી બની છે જેના પગલે સરકારી તંત્ર પણ એક્‍શન મોડ પર આવી ગયું છે. જેના ભાગરૂપે રાજકીય પક્ષો તથા સરકારી યોજનાના બેનરો, ઝંડી, સ્‍લોગન વગેરે દુર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી સહિતની કામગીરીને લઈને ગતિવિધિ શરૂ કરી દીધી છે.

 

(1:46 PM IST)