<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

અમરેલીમાં ગુરૂકુલના સંતો દ્વારા મોટા શહેરો જેવી અદ્યતન હોસ્‍પીટલની ભેટઃ રાજયપાલ

રાજકોટ ગુરૂકુલ દ્વારા ૧૦૦ બેડની ધર્મજીવન હોસ્‍પીટલનો શુભારંભ

અમરેલીના જેસીંગપરામાં રવિવારે ધર્મજીવન હોસ્‍પીટલના ઉદઘાટન પ્રસંગે આચાર્ય દેવવ્રતજી, મનસુખ માંડવીયા, પ્રફુલ પાનસેરીયા, પરસોતમ રૂપાલા, કૌશીક વેકરીયા, શ્રી દેવપ્રસાદ સ્‍વામી, શ્રી ધર્મવલ્લભ સ્‍વામી, રાકેશ દુધાત, ડો.ધીરજ કાકડીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ, તા., ર૧: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત ૧૦૦ બેડની ધર્મજીવન મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનો શુભારંભ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરાવ્‍યો હતો.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્‍ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, રાજકોટ સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, નાયબ મુખ્‍ય દંડક અને ધારાસભ્‍ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્‍ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતશ્રીઓએ નવનિર્મિત ધર્મજીવન હોસ્‍પિટલમાં આરોગ્‍યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્‍વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કાર છે. સમાજ અને રાષ્‍ટ્ર કલ્‍યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાનના માધ્‍યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્‍વાસ્‍થ્‍ય અને સંસ્‍કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્‍ટ્ર ઉન્નતિ સાધે છે.  રાજ્‍યપાલશ્રીએ ઉમેર્યુ કે, અમરેલીના આસપાસના વિસ્‍તારમાં જેની જરુરિયાત હતી, તેવી અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન સુવિધાસભર હોસ્‍પિટલની આ સંતોએ અમરેલીને ભેટ આપી છે. આ હોસ્‍પિટલ નિર્માણના પવિત્ર કાર્યમાં સહયોગ આપનાર દાતાઓને રાજયપાલશ્રીએ બિરદાવ્‍યા અને  અભિનંદન આપ્‍યા હતા. આ પ્રસંગે કેન્‍દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ, સમાજ જીવન અને વ્‍યવસ્‍થાપનના ભારતીય મોડલ વિશે સવિસ્‍તર ઉદ્ધોધન કર્યું હતું.   આ પ્રસંગે મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી શ્રી કળષ્‍ણચરણદાસજી સ્‍વામી,  શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી અને શ્રી હરિપ્રિયદાસજી સ્‍વામીએ  પ્રાસંગિક ઉદ્વબોધન કર્યું હતું.

ધર્મજીવન હોસ્‍પિટલના  સંચાલન અને દર્દીઓ સહિત માનવ કલ્‍યાણ માટે સમૂહ પ્રાર્થના પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.  આ પ્રસંગે શ્રી રાકેશભાઈ દુધાતે શાબ્‍દિક સ્‍વાગત અને પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના સચિવ શ્રી ધીરજ કાકડિયાએ આભાર વિધિ કરી હતી. અમરેલી ખાતે ધર્મજીવન હોસ્‍પિટલના નિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું સંતશ્રીઓના હસ્‍તે સન્‍માન પણ આ પ્રસંગે કરવામાં આવ્‍યું હતું. અમરેલી સ્‍થિત નવનિર્મિત ધર્મજીવન હોસ્‍પિટલના ઉદ્ધાટન - લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન સંત શ્રી દેવપ્રસાદજી સ્‍વામી, સુરત ગુરુકુળ સંસ્‍થાના સંત શ્રી ધર્મવલ્લભ સ્‍વામી, અન્‍ય સંતગણ, નાયબ મુખ્‍ય દંડક અને અમરેલીના ધારાસભ્‍ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્‍ય શ્રી જનકભાઈ તળાવિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્‍ય શ્રી પરેશભાઈ ધાનાણી,  જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લાના   પદાધિકારી શ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સમાજશ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, બહોળી સંખ્‍યામાં હરિભક્‍તો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:48 PM IST)