<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

કાલે રાજવી કવિ કલાપીની જન્‍મજયંતી

સાવરકુંડલા તા.રપઃ ૨૬મી જાન્‍યુઆરી, ૧૮૭૪, લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં , દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીના રાજા તખ્‍તસિંહજીને ત્‍યાં બીજા પુત્રનો જન્‍મ થયો હતો. ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્‍યું સુરસિંહ એ સુરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ ‘‘કલાપી''. કલાપી કંઈ જન્‍મથી કલાપી નહોતા, પણ કવિ થવાના આશીર્વાદ લઈને અવતર્યા હતાં.અને એ પ્રજા વત્‍સલ રાજવી તેમજ કવિ બનીને રહ્યા. રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરેજ છે પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અવિસ્‍મરણીય પ્રેમ કવિ બની રહ્યા હતા.

વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્‍બર, લાઠી રાજ દરબારગઢનો વિશાળ ચોક. લગ્ન પછીનો ઉત્‍સવ. અચાનક સુરસિંહજીને મધુર કંઠે કચ્‍છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે.કંઠ અને ગીતના બોલ તેમના હૃદયને સ્‍પર્શી જાયછે. તેમણે તરત તપાસ કરી અને જાણવા મળ્‍યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે. મોંઘી તરફ તેમનો વાત્‍સલ્‍ય ભાવ ઊભરાયો. મનમાં કંઈક ગાંઠ બાંધી. મોકો મળતા પાસે બોલાવી અને કહ્યું ‘‘મોંઘી તું સરસ ગાય છે હો, ચાલ હું તને શુધ્‍ધ ગુજરાતી શીખવાડું'' સાહિત્‍ય જગત સાક્ષી છે કે, મોંઘી ને થોડાજ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહી પણ સરસ્‍વતી ચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી, ગાતી કરી દીધી, કચ્‍છી ભાષામાં માત્ર એકજ ‘‘સ''નો ઉચ્‍ચાર સાંભળવા મળે છે. કલાપીએ મોંઘી ને ત્રણેય ‘સ,શ,ષ' ની ઓળખ આપી અને છંદ વસંતતિલકામાં ગવડાવ્‍યું હતું.

૨૧ વર્ષની ઊમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્‍યપદ સોંપાયું અને આપણા કલાપી લાઠીના રાજા બન્‍યાં. અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્‍યપદ સોપતાં પહેલાં રાજાએ છ મહિના સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્‍તવિક પરિચય મેળવવો. સૂરસિંહજી માટે તો એ અત્‍યંત આશીર્વાદ સમાન સાબિત થયું. દેશના વિવિધ વિસ્‍તારોની માટીની સુગંધ, કાશ્‍મીર જેવા રમણીય પ્રદેશોમાં પ્રકળતિનું પયપાન અને પત્‍ની રમાબાનો વિયોગ, આ ત્રણેય તત્‍વોને કારણે રોમાંચિત અને વ્‍યથિત સૂરસિંહજીએ પ્રવાસ દરમ્‍યાન ગુરૂને,મિત્રોને અને પત્‍નીને લખેલા પત્રો ગુજરાતી સાહિત્‍યનો અમૂલ્‍ય ખજાનો બની રહ્યા છે. ૧૮૯૪ થી તેમની સર્જક મુદ્રા ઉપસે છે. ઊર્મિ,આઘાત, પ્રત્‍યાઘાત, પ્રકળતિ, પ્રણય અને પ્રભુથી રસપ્રચૂર તેમનું સાહિત્‍ય સર્જન વિશ્વ ઐકયના દર્શન કરાવે છે. ૧૮૯૬ માં તેઓ કવિ કાન્‍તના સંપર્કમાં આવે છે. આ બધા સર્જક તત્‍વોના કારણે ૧૮૯૬થી ૧૮૯૮ સુધીમાં તેમણે સર્જેલા સાહિત્‍યના ૭૦% સર્જન આ ગાળા દરમ્‍યાન થયેલું નોંધાયું છે. જેટલો સાહિત્‍ય પ્રત્‍યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુઃખ માં સાથે રહ્યા.તેમની પ્રજા વત્‍સલતા ‘‘ગ્રામ્‍ય માતા'' કાવ્‍યમાં ઉભરી આવે છે.

સંકલનઃ

સુરસિંહજી તખ્‍તસિંહજી

ગોહિલ- પ્રતાપભાઇ

ખુમાણ (સાવરકુંડલા)

(1:37 PM IST)