<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ઝાલાવાડમાં ૪ અકસ્‍માતઃ જોરાવરનગરના સાયકલ સવાર વૃધ્‍ધ પગીનું આઇવા હડફેટે મોતઃ નર્મદા કેનાલમાં કાર ખાબકી

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૮: સુરેન્‍દ્રનગર વઢવાણ રોડ, બહુચર હોટલ રોડ, ધ્રાંગધ્રાના કાપેલીધાર વિસ્‍તાર અને ખમીસાણા પાસે અકસ્‍માતના ૪ બનાવ બન્‍યા છે. જેમાં એપીએમસી સામે ઈંધણ પુરાવવા જતા આઈવા ટ્રકની અડફેટે સાયકલ સવાર ૮૦ વર્ષીય વળધ્‍ધનું મોત થયુ છે. બીજી તરફ ધ્રાંગધ્રાની કાપેલી ધાર પાસે શટલ રિક્ષાને કારે ઠોકર મારતા ૩ વ્‍યક્‍તિને ઈજાઓ પહોંચી હતી.

જોરાવરનગરમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે કાનો હરગોવિંદભાઈ પંડીત રીક્ષા ચલાવે છે. તેમના દાદા ૮૦ વર્ષીય શંકરભાઈ છગનભાઈ પંડીત વઢવાણના કાઠીયાવાડ હાર્ડવેરમાં પગીપણુ કરે છે. તેઓ વઢવાણ એપીએમસી પાસે આવેલ કેબીને ચા પીને સાયકલ લઈને જતા હતા ત્‍યારે સામે આવેલ પેટ્રોલપંપમાં આઈવા ચાલક લખતરના ભાસ્‍કરપરાનો પ્રેમજીભાઈ આત્‍મારામભાઈ લોરીયા ઈંધણ પુરાવવા જતા શંકરભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે સી.યુ.શાહ હોસ્‍પિટલ લઈ જવાતા સારવાર દરમીયાન મોત થયુ હતુ. તપાસ પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે.

જયારે સુરેન્‍દ્રનગરના જંકશન રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટી-રમાં રહેતા ૭૫ વર્ષીય ભરતભાઈ નાનજીભાઈ પરમાર સાયકલ લઈને તેમના ઘરેથી ટાંકી ચોક તરફ જતા હતા. ત્‍યારે બહુચર રોડ પર ડો. ઈરફાન વોરાના દવાખાના પાસે એક ટ્રકે ઓવરટેક કરતા ભરતભાઈ સાથે અકસ્‍માત કર્યો હતો.

જેમાં તેઓ સાયકલ સહિત નીચે પટકાયા હતા. અને તેમનો પગ ટ્રકના વ્‍હીલમાં આવી જતા ઢીંચણથી નીચે છુંદાઈ ગયો હતો. આ બનાવમાં તેઓને સારવાર માટે સી.યુ.શાહ હોસ્‍પિટલ લઈ જવાયા હતા. તપાસ એસ.એમ.પરધવી ચલાવી રહ્યા છે.

ધ્રાંગધ્રાના ઓઈલ મીલ કમ્‍પાઉન્‍ડમાં રહેતા ૩૫ વર્ષીય દિનેશભાઈ ગોરધનભાઈ ઝીંઝુવાડીયા મંડપ સર્વીસનું કામ કરે છે. તાલુકાના જેગડવા ગામે રાખેલ કામ પુરૂ કરી તેઓ શટલ રિક્ષામાં સામાન લઈ ધ્રાંગધ્રા તરફ આવતા હતા. ત્‍યારે કાપેલી ધાર પાસે પાછળથી કારે રિક્ષાને ટક્કર મારતા ચાલક ગોપાલભાઈ નારાયણભાઈ, યુવરાજભાઈ મનસુખભાઈ અને દિનેશભાઈ ગોરધનભાઈને ઈજાઓ પહોંચી હતી. જેમાં તેઓને દવાખાને લઈ જવાયા હતા. અકસ્‍માત કરી ફરાર થઈ જનાર કાર ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.કલોતરા ચલાવી રહ્યા છે. સુરેન્‍દ્રનગરના ખમીસાણા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક કાર ચાલક કાર સહિત ખાબકયો હતો. જેમાં દોરડાની મદદથી કારને બહાર કઢાઈ હતી. બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.(

(10:46 AM IST)