<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ચોટીલામાં ડખ્‍ખાના સમાધાન વખતે ફરી માથાકુટઃ નવાઝને અફઝલે છરીના ઘા ઝીંક્‍યાઃ ગંભીર ઇજા

બપોરે નવાઝનું બાઇક સ્‍લીપ થઇ જતાં મિત્ર વિજયને ફોન કરતાં તે અફઝલને સાથે લઇને આવ્‍યોઃ નવાઝે અફઝલ ભેગુ મારે નથી જવું કહેતાં બોલાચાલી થઇ હતીઃ રાત્રે વાત કરવા બોલાવી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૮: ચોટીલામાં રહેતાં યુવાનને ગઇકાલે બપોરે ગામના જ શખ્‍સ સાથે બોલાચાલી થઇ હોઇ આ શખ્‍સે રાત્રે સમાધાનની વાત કરવા બોલાવ્‍યા બાદ ફરી ડખ્‍ખો કરી છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. જાણવા મળ્‍યા મુજબ ચોટીલામાં પોલીસ સ્‍ટેશન નજીક રહેતાં અને ગેરેજ ચલાવતાં નવાઝ યુસુફભાઇ મહેલાણી (ઉ.વ.૨૨)ને રાતે અગિયારેક વાગ્‍યે ચોટીલા ભવાની હોટેલ સામે હતો ત્‍યારે અફઝલે છરીથી હુમલો કરી હાથ, છાતી, પડખામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. નવાઝ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તે ગેરેજ ચલાવવા સાથે રિક્ષા પણ હંકારે છે. ગઇકાલે તે વાહન રીપેર કરવા ચોટીલા બાઉન્‍ડ્રી નજીક ગયો અને પાછો આવતો હતો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં  તેણે મિત્ર વિજયને ફોન કરી પોતાને તેડી જવા કહ્યું હતું. વિજય પોતાની સાથે અફઝલને લઇને કારમાં આવતાં નવાઝે મારે અફઝલ ભેગુ નથી જવું, મને ટુવ્‍હીલરમાં લઇ જા તેમ કહેતાં અફઝલે બોલાચાલી કરી હતી. બાદમાં નવાઝ ટુવ્‍હીલરમાં ઘરે ગયો હતો.  રાતે અફઝલે ફોન કરી સમાધાનની વાત કરવાનું કહી નવાઝને ભવાની હોટલ પાસે બોલાવતાં તે ત્‍યાં જતાં ફરી અફઝલે ગાળાગાળી ચાલુ કરી હતી. તેને ગાળો બોલવાની ના પાડતાં છરી કાઢી ત્રણેક ઘા ઝીંકી દીધા હતાં. ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)