News of Wednesday, 29th January 2025
ગોંડલ પાસે સર્જાયેલ અકસ્માતમાં વધુ એક ઉપલેટાના વિજયાબેન વાછાણીનું મોત
ગઇકાલે મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ધોરાજીના મહિલાનું મોત અને ૭ થી ૮ લોકોને ઇજા થઇ'તી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ર૯: ગોંડલના ભુણાવા પાસે ગઇકાલે મીની બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વધુ એક ઉપલેટાના વૃધ્ધાનું મોત થતા મૃત્યુઆંક બે ઉપર પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટથી મુસાફરોને ભરી ઉપલેટા તરફ જઈ રહેલ GJ11TT 9997 નંબરની ખાનગી ટ્રાવેલ્સની મીનીબસ તથા ગોંડલ તરફથી રાજકોટ તરફ ઈન્ડિયન ગેસના બાટલા ભરીને જતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ધોરાજી બસસ્ટેન્ડ પાછળ રહેતા રશ્મીતાબેન મુકેશભાઈ વઘાશીયા ઉ.૪૭ નું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બસના ડ્રાઇવર રસીદભાઈ અમનભાઈ ખલીફા (ઉંમર વર્ષ ૪૭) રહે ધોરાજી, કંડકટર ભરતભાઈ નટુભાઈ રાવલ (ઉંમર વર્ષ ૫૦) રહે ઉપલેટા તેમજ બસમાં મુસાફરી કરી રહેલા પ્રભાબેન હરિભાઈ માકડીયા ઉંમર વર્ષ ૫૫ રહે રાજકોટવાળા ઘાયલ થતા સારવાર માટે ગોંડલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમજ સાથી સદસ્યો ઘાયલોની સેવાના કામે લાગ્યા હતા. આ ઉપરાંત વધુ ૪ થી ૫ મુસાફરો ઘાયલ થયેલા હોય તેમને ઘટના સ્થળેથી જ રાજકોટ ખસેડાયા હતા.
મળતક રશ્મીતાબેન કિડની પેશન્ટ હોય રાજકોટ હોસ્પિટલમાં ડાયાલીસીસની સારવાર લઇ ધોરાજી પરત ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં જ તેમને કાળ આંબી ગયો હતો.રશ્મીતાબેનને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું જાણવાં મળ્યુ હતું.
દરમિયાન આ અકસ્માતમાં ઘવાયેલા વિજયાબેન કિશોરભાઇ વાછાણી (ઉ.વ.૬૪) રે. ગોકુલપરા ઉપલેટાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
