<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

શિશુવિહાર ભાવનગરના આંગણે યોજાયો માનભાઇ ભટ્ટ નાગરિક સન્‍માન સમારોહ

સેવાના ભેખધારી રાજકોટના અનુપમ દોશી સહીત પાંચ પ્રતિભાઓનું પૂ.મોરારીબાપુના હસ્‍તે સન્‍માન

રાજકોટ તા.ર૯: ગુજરાતના જાણીતા લોકસેવક, મુલ્‍યોના માનવી, ગોહિલવાડની સુપ્રસિધ્‍ધ સેવા સંસ્‍થા શિશુવિહારના સ્‍થાપક પૂજય સ્‍વ.માનભાઇ ભટ્ટની સ્‍મૃતિમાં ૩૩ વર્ષથી માનભાઇ ભટ્ટ નાગરીક સન્‍માન કાર્યક્રમ યોજાય છે. જે અંતર્ગત ૩૪મો નાગરીક સન્‍માન કાર્યક્રમ વિશ્વવંદનીય સંત પૂ.શ્રી મોરારીબાપુના અધ્‍યક્ષસ્‍થાને શિશુવિહાર પરીસર ભાવનગરમાં યોજવામાં આવેલ.

પાંચ વિશીષ્‍ટ પ્રતિભાઓને સન્‍માનીત કરવાના આ સમારોહમાં રાજકોટના પનોતા પુત્ર શહેરમાં ૪પ વર્ષની અવિરત નિસ્‍વાર્થભાવે શૈક્ષણીક, સામાજીક, રચનાત્‍મક, સાંસ્‍કૃતિક, તેમજ માનવતાવાદી પ્રવૃતિ કરતા દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી, વિવેકાનંદ યુથ કલાબ, સાહીત્‍ય સેતુ, લેંગ લાયબ્રેરી સહિતની સંસ્‍થાઓ સાથે જોડાયેલા સેવાના ભેખધારી અનુપમભાઇ દોશીનું પૂ.શ્રી મોરારીબાપુના હસ્‍તે માનભાઇ ભટ્ટ નાગરીક સન્‍માન ખેસ પહેરાવી, પુસ્‍તક, સ્‍મૃતિ ચીન્‍હ, વિધ્નહર્તા દેવનો ફોટો આપી તેમજ રૂપીયા પચાસ હજારનો ચેક આપીને નાગરિક સન્‍માન કરવામાં આવેલ.

ઉપરાંત ઉમરાળા તાલુકાના ટીંખી ગામની હોસ્‍પિટલના ડો.એન.કે.રાજપરા, વીરનગર આઇ હોસ્‍પિટલના ડો.સી.એલ.વર્મા, ગાંધી ચિંધ્‍યા રાહે કાર્યરત સિધ્‍ધપુરના જીજ્ઞાબેન દવે તેમજ ગુજરાત સરકારના માર્ગ-મકાન વિભાગના સંનિષ્‍ઠ, નિષ્‍ઠાવાન નિવૃત અધિકારી મધુકાંતભાઇ ભાલાળાનું પણ શ્રી મોરારીબાપુના હસ્‍તે માનભાઇ ભટ્ટ નાગરીક સન્‍માન કરવામાં આવેલ.

કાર્યક્રમના પ્રારંભે સ્‍વાતીબેન પાઠકે પ્રાર્થનાગીતનું ગાન કરેલ. પૂ.બાપુનુ સ્‍વાગત ઇન્‍દાબેન ભટ્ટે કરેલ. સંસ્‍થાના મંત્રી નાનકભાઇ ભટ્ટે સ્‍વાગત તેમજ નાગરીક સન્‍માન પ્રવૃતિની માહીતી આપેલ. કાર્યક્રમના અંતમાં આભારવિધી રાજેન્‍દ્રભાઇ દવેએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાયાબેન પારેખે કરેલ.

માનભાઇ ભટ્ટ નાગરીક સન્‍માનના ગરીમાપુર્ણ કાર્યક્રમમાં જયંતભાઇ, કવિ વિનોદ જોષી, સુભાષભાઇ દવે, કવિ  નટવર આહલપરા સહીત મોટી સંખ્‍યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્‍થિત રહયાં હતાં.

(2:31 PM IST)