તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
કચ્છમા ૧૩ વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને જન્મટીપની સજા
અંજાર કોર્ટનો ધાકભર્યો ચુકાદો, ડીએનએ ટેસ્ટ મેચ ન થયો છતાં સાક્ષી પુરાવાને ધ્યાને લઈ પોક્સો કોર્ટની રામજી બાવલા કોળીને સજા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : ગત તા.૨૭ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન કચ્છના અંજારમાં ૧૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવવા અંગે રામજી બાવલા કોળી (ગામ: ખોખરા, અંજાર) વિરુદ્ધ પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ નોધાઈ હતી. શાળામાં અભ્યાસ દરમ્યાન શિક્ષિકાને બાળકી ગર્ભવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ આ અંગે રામજી બાવલા કોળી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. દરમ્યાન બાળકીએ બાળકને જન્મ આપ્યો હતો. આ કેસ દરમ્યાન આરોપીએ ડીએનએ ટેસ્ટ માટે રજૂઆત કરતા કોર્ટે એ અંગે હુકમ કર્યો હતો. ડીએનએ ટેસ્ટમાં આરોપી બાળકનો બાયોલોજીલ પિતા ન હોવાનું ધ્યાને આવ્યું હતું. વિશેષ પોક્સો કોર્ટના જજ કમલેશ શુક્લએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ગુનાનો ભોગ બનનાર બાળા અને તેના પિતાની જુબાની, ૪૭ સાક્ષીઓ, ૩૯ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ એક માત્ર ડીએનએ ટેસ્ટના અભિપ્રાયને લઈ આરોપીએ બાળકી સાથે શરીર સંબંધ બાંધ્યો નથી એ માનવું યોગ્ય અને ન્યાયી નથી. કોર્ટે પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ આજીવન કેદની સાદી સજા, ૧૦ હજાર રૂ.નો દંડ, કલમ ૬ હેઠળ આજીવન કેદની સખ્ત સજા, ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે પોક્સો એક્ટની જોગવાઈ અનુસાર આઈપીસી કલમ ૩૭૬ હેઠળ કોઈ અલગ સજા ફટકારી નથી. દંડ વસૂલ થયે ૨૫ હજાર ભોગ બનનાર બાળાને ચૂકવી દેવા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ૨ લાખ રૂ. વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
