<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

બોટાદમાં દીકરીના લગ્નની પિતાએ બનાવી વિચારોની અનોખી કંકોત્રી : 15 પાનાની કંકોત્રીમાં દીકરીનો લેખ વાંચી પિતાની આંખો ભીની થઇ

દીકરી સંભારણા, બહેનોની સ્મૃતિ, મોરારીબાપુના આશિર્વાદનું સંકલન: અનોખી કંકોત્રીમાં સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિની સાથે પરિવાર ભાવનો સંદેશો આપવાનો પ્રયાસ

બોટાદમાં દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અનોકી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રીમાં પિતાએ જાણે કે હૈયુ રેડી દીધું હોય તેમ તમામ બાબતોનું સંકલન કરવાનો પ્રયાસ કર્યો છે. 15 પાનાની આ કંકોત્રીમાં દીકરી સંભારણા, બહેનોની સ્મૃતિ, મોરારીબાપુના આશિર્વાદનું સંકલન કરાયું છે. અનોખી કંકોત્રીમાં સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિની સાથે પરિવાર ભાવનો સંદેશો આપવાનો પ્રયાસ કરાયો છે.

બોટાદમાં પાંચપડા વિસ્તારમાં નટવરભાઈ કણજરીયા રહે છે. તેમની દીકરી જાનકીના લગ્ન થવાના છે. આ માટે પિતા નટવરભાઈએ અનોખી કંકોત્રી બનાવી છે. 15 પાનાની આ કંકોત્રીને જાનકી લગ્નોત્સવ ટાઇટલ આપવામાં આવ્યું છે. સમાચારમાં જે પ્રકારે પૂર્તિઓ આપવામાં આવે છે. એ પ્રકારે કંકોત્રી બનાવવામાં આવી છે. આ કંકોત્રીમાં પૂર્તિની જેમ લેખ લખવામાં આવ્યા છે. જે લેખ દીકરી અને પરિવારે લખ્યા છે. લેખકો પાસે લેખ લખાવ્યા છે.

  કંકોત્રીમાં શરૂઆતમાં મોરારીબાપુના આશિર્વાદ લેવામાં આવ્યા છે. ત્યારબાદ મહાકાળી માતાનું આહ્વાન કરાયું છે. પછી પરિવારના લોકોના લેખ આવે છે. ત્યારબાદ લેખકો દ્વારા લખાયેલા લેખ અને કવિઓની કવિતાઓ આવે છે. આ કંકોત્રીમાં આડી ચાવી અને ઉભી ચાવી પણ આપવામાં આવી છે. મૂળ કંકોત્રી સ્વ હસ્તે લખવામાં આવી છે. તેમજ પરિવારના ફોટો મુકવામાં આવ્યા છે. કંકોત્રી અંગે જાનકીના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, બારેક વર્ષ પૂર્વે મિરાજ ગ્રૂપના મદન પાલીવાલજીએ તેમની દીકરી મમતાની કંકોત્રી મોકલી હતી. જે સોનાના પતરા ઉપર હતી. એ સમયે મે નક્કી કર્યું હતું કે આપણે પણ આવી કંકોત્રી બનાવવી છે

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોનાના પતરામાં કંકોત્રી તો ન થઇ શકે. તેથી મે વિચાર કર્યો કે દીકરીને સારામા સારો કરિયાવર આપવા માટે વિચારોની કંકોત્રી આપીએ. આ કંકોત્રી એટલા માટે બનાવી છેકે, તેમાં બધાના વિચારો છે. કંકોત્રી લખાયા બાદ તેનું પ્રૂફ રીડિંગ કરતી વખતે દીકરી દ્વારા પિયર નામે જે લેખ લખવામાં આવ્યો છે. તેને વાચતી વખતે આંખોમાં આસું આવી ગયા હતા. જે વાંચવામાં 5 મિનિટ લાગે તેમાં મને 6 કલાક લાગી હતા. છતાં વાંચી શક્યો ન હતો. આ કંકોત્રીમાં મોરારીબાપુએ પોતાના સ્વઅક્ષરે જાનકી ઉત્સવ લખીને આશિર્વાદ આપ્યા છે.

(7:33 PM IST)