News of Monday, 3rd February 2025
બોગસ આધાર, પાનકાર્ડ દ્વારા ભુજની ૧૭ બેંકોમાં ૫૫ ખાતા ખુલતા ચકચાર
ઓનલાઇન ફ્રોડ કરનાર બે સાયબર ગઠીયા ભુજમાંથી ઝડપાયા : ૧.૩૫ કરોડની હેરાફેરી, ૧૦ રાજ્યોમાં ફ્રોડ કરનાર બંને રીઢા સાયબર ક્રિમિનલે બોગસ પાર્ટનરશીપ ડીડ, નોટરાઈઝ કાગળો, લાઇટ બીલ, આધાર કાર્ડ, પાન કાર્ડ દ્વારા ૫૫ બેંક ખાતા ખોલાવ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :.. પヘમિ કચ્છ એલસીબી પોલીસે રાજસ્થાનના બે રીઢા સાયબર ગુનેગારોને ભુજમાંથી ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે.
ડીએસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબીપી પીઆ સંદીપસિંહ ચુડાસમાએ શહેરના ભાનુશાળી નગરમાં હરિરત્ન એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે રાખીને રહેતા મુળ ફલોદીના શીશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ બિશ્નોઈ અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધનરામ મુન્નારામ બિ‘ોઈ નામના રીઢા સાયબર ઠગોને ઝડપી પાડ્યા હતા.
બાતમીદારના નેટવર્કને આધારે એલસીબી પીઆઈ ચુડાસમાને આ સંદિગ્ધ શખ્સો વિશે માહિતી મળી હતી. આ સાયબર ઠગોએ ઓન લાઇન ડિજિટલ એરેસ્ટ, કેવાયસી, ઓન લાઈન જોબ, રોકાણ, યુપીઆઈના સાયબર ગુનાઓ આચરી ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા ઠગી તે રૂપિયા આંગડિયા દ્વારા રાજસ્થાન મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. દરમ્યાન આ અંગે ૫ રાજ્યોમાં ૧૧ પોલીસ ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. ભુજની સરકારી, ખાનગી અને કો.ઓપ એમ અલગ અલગ ૧૭ બેન્કોના ૫૫ ખાતાની ૪૭ ચેકબુક, ૪૨ એટીએમ કાર્ડ સાથે ઝડપ્યા છે. આરોપીઓ શિશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ બિશ્નોઈ અને ગોવિંદરામ મુન્નારામ બિશ્નોઈ આ બંને ઠગોએ બોગસ પાર્ટનર શીપ ડીડ, લાઈટ બીલ, આધાર અને પાનકાર્ડ સાથે ઢગલાબંધ ખાતા ફટાફટ કઈ રીતે ખોલાવ્યા હશે?
આપણને એક બેંક ખાતું ખોલાવવામાં નાકે દમ આવી જાય છે અને બેંકો અન્ય ખાતેદારની ઓળખ સહિત વિવિધ દસ્તાવેજો માંગે છે. બેંક અધિકારી આધારકાર્ડ અને પાનકાર્ડના નંબર કોમ્યુટરમાં નાખી ખાતેદારની ઓળખ અંગે ખરાઈ કરી શકે છે. હવે ઘણી બેંકો તો ઓન લાઇન જ ખાતા ખોલતી હોઈ ઓળખ મિસ મેચ થાય એટલે ખાતું ખોલવાની ના પાડી દે છે. સવાલ એ છે કે, શું બેન્કોના કર્મીઓની મીલી ભગત હશે? પોલીસે આ ઠગો પાસેથી સેવિંગ અને કરંટ એકાઉન્ટની ૪૭ ચેકબુક, ૪૨ ડેબિટ કાર્ડ, ૨૬ પાસબુક, ૨ નોટરી ભાડા કરાર, ૩ નોટરી કરેલી ધંધા અંગેની પાર્ટનરશીપ ડીડ, આધાર અને ૧૩ પાનકાર્ડ, ૨ લાઇટ બીલ, ૧ ઉદ્યમ સર્ટિફિકેટ ઝડપ્યું છે.
આરોપી શીશપાલ સામે રાજસ્થાનમાં ૯ ગુનાઓ નોંધાયેલા છે. બોગસ આધારો સાથે જે બેંકોમાં ખાતા ખોલાયા તેમાં ભુજની બીએમસીબી બેંકમાં ૧૦ ખાતા, બેંક ઓફ બરોડામાં ૭, રાજકોટ નાગરિક અને સેન્ટ્રલ બેંકમાં પાંચ પાંચ ખાતા, એચડીએફસી માં ૪, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસ ઇન્ડ બેંકમાં ત્રણ ત્રણ, કેનરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ફેડરલ બેંકમાં બબ્બે ખાતા અને ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એક એક ખાતું ખોલાવ્યું હતું. એક સામટા ૫૫ બેંક ખાતા જે રીતે સરકારી, ખાનગી અને કો ઓપરેટિવ બેંકોમાં ખોલાવ્યા છે એ જોતા આ ગેંગ બેંકિગના કામમાં ખૂબ જ શાતિર હોય અને એના તાર બીજે પણ ગોઠવાયેલા હોય એવું બની શકે છે. (પ-૯)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
