<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મોરબીના વસીમ પીલુડીયાનું બંદૂકના ભડાકાથી મોત

માળીયા મિયાણાના વવાણીયા નજીક સાંજે ઘટનાઃ સાડત્રીસ વર્ષના યુવાનના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક વવાણીયા ગામ પાસે કેટલાક લોકો શિકાર કરવા ગયા ત્‍યારે બાઇક સ્‍લીપ થતાં સાથે રાખેલી બંદૂકમાંથી ફાયરીંગ થયાની શક્‍યતા સાથે પોલીસ તપાસઃ એક શખ્‍સની પુછપરછઃ રહસ્‍યમય બનાવથી ભારે ચકચારઃ બનાવથી બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં માતમ

બનાવને પગલે મોરબી હોસ્‍પિટલ ખાતે મૃતકના સગા સંબંધીઓ મિત્રો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં (ફોટોઃ પ્રવિણ વ્‍યાસ મોરબી)

રાજકોટ , મોરબી તા. ૩: માળીયા મિયાણા તાબેના વવાણીયા ગામના સીમ વિસ્‍તારમાં સાંજે બંદૂકના ભડાકાથી મોરબીના યુવાનનું ગળા નીચેના ભાગે ગોળી ખૂંપી જતાં રહસ્‍યમય મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ચર્ચા મુજબ મોરબીથી કેટલાક લોકો વવાણીયાની સીમમાં સાંજે હતાં ત્‍યારે બંદૂકનો ભડાકો થયો હતો અને આ ઘટના બની હતી. બાઇક સ્‍લીપ થતાં સાથે રહેલી બંદૂકમાંથી ફાયરીંગ થઇ ગયાનું કહેવાયું હતું. જો કે પોલીસને શંકા છે કે શિકાર કરવા ગયા ત્‍યારે આ ભડાકો થતાં ઘટના બની હતી. હાલ પોલીસે સાચી વિગતો મેળવવા તપાસ શરૂ કરી એક શખ્‍સની પુછતાછ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

મોરબીથી પ્રવિણ વ્‍યાસના અહેવાલ મુજબ માળીયા મિયાણાના વવાણીયા નજીક બંદૂકની ગોળી લાગી જતાં એક વ્‍યક્‍તિનું મૃત્‍યુ થતાં મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. પ્રાથમિક નોંધ મુજબ બાઇક પર બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્‍યારે બાઇક સ્‍લીપ થતાં સાથેની બંદૂકમાંથી ગોળી વછુટ હતી અને યુવાનને ગળાના નીચેના ભાગે લાગી જતાં તેને મોરબી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. જો કે પોલીસને એવી માહિતી પણ મળી છે કે શિકાર કરવા અમુક શખ્‍સો ગયા ત્‍યારે કોઇપણ રીતે ગોળી લાગી ગઇ હતી. આ મામલે તપાસ કરવા એક શખ્‍સની પુછતાછ શરૂ થઇ છે.

આ બનાવને પગલે મોરબી હોસ્‍પિટલ ખાતે મૃતકના સગા સંબંધીઓ, મિત્રો, પરિવારજનો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં. પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

રાજકોટના અહેવાલ મુજબ મૃત્‍યુ પામનાર યુવાનનું નામ વસીમભાઇ ગુલામહુશેનભાઇ પીલુડીયા (ઉ.વ.૩૭) છે અને તે મોરબી મહેન્‍દ્રપરા-૧૦માં રહેતો હતો. તે એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ દિકરો હતો. તે પિતા સાથે કેબલ કનેક્‍શનનું કામ કરવા સાથે છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં બે દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં માતમ છવાઇ ગયો છે. રાજકોટ ખાતે સગાએ એમ કહ્યું હતું કે વવાણીયા ગામ પાસે મિત્રની વાડીએ જમવા જતી વખતે વસીમભાઇનું બાઇક સ્‍લીપ થઇ ગયું હતું અને સાથે રહેલી બંદૂકમાંથી ફાયરીંગ થતાં ગોળી તેને ખૂંપી ગઇ હતી. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરે છે.

(12:21 PM IST)