<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ભાગી ગયેલી માતાનો ફોન આવ્‍યા બાદ દુઃખી થયેલા મુકેશનો ઝેર પી આપઘાત

હળવદના રણમલપુર ગામે પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો હતો બાવીસ વર્ષના યુવાને સારવાર દરમિયાન રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: હળવદના રણમલપુર ગામે પરિવાર સાથે રહેતાં અને ખેત મજૂરી કરતાં બાવીસ વર્ષના યુવાને પોતાની માતા વીસેક દિવસ પહેલા કોઇ સાથે ભાગી નીકળી હોઇ અને ગઇકાલે તેણીનો ફોન આવતાં પોતે ફોનમાં વાત કરતો કરતો જ આઘાતમાં આવી જતાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રણમલપુર ગામે ઝૂપડામાં પરિવાર સાથે રહેતો અને ખોડાભાઇની વાડીમાં ખેત મજૂરી કરતો મુકેશ બાબુભાઇ આદિવાસી (ઉ.વ.૨૨) બપોરે ફોન પર વાત કરતી વખતે ઝેરી દવા પી જતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે હળવદ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મુકેશ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતાં. મુકેશના ભાઇએ જણાવ્‍યું હતું કે અમે મુળ ગોધરાના વતની છીએ અને કેટલાક દિવસો પહેલા રણમલપુર રહેવા આવ્‍યા છીએ. અહિ ઝૂપડામાં રહી ખેત મજુરી કરીએ છીએ. અમારી માતા સરોજબેન થોડા દિવસ પહેલા કોઇ સાથે ભાગી ગઇ છે. ગઇકાલે તેણીનો ફોન મુકેશના ફોનમાં આવ્‍યો હતો. મુકેશે માતા સાથે વાત કરતી વખતે જ આઘાતમાં આવી જઇ ઝેર પી લીધુ હતું. મા-દિકરા વચ્‍ચે શું વાત થઇ તે ખબર નથી. પણ અમે મુકેશને હોસ્‍પિટલે લઇ જતાં હતાં ત્‍યારે તેણે માનો ફોન આવ્‍યો હોવાની વાત કરી હતી. કદાચ માતાએ પરત આવવાની ના પાડતાં તેને લાગી આવતાં આ પગલુ ભર્યાની શક્‍યતા છે. હળવદ પોલીસ વધુ તપાસ કરે છે.

(12:13 PM IST)