<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

૧૭મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્‍પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના દિગંબર સિંઘે રેકોર્ડ તોડ્‍યોઃ ૩ સખી બહેનોમાંથી ૨ એ બાજી મારી

જૂનાગઢ : ૧૭મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્‍પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દિગંબર સિંઘે રેકોર્ડ તોડ્‍યો છે. દિગંબર સિંઘે વીજળીક ઝડપે ૫૩ મિનિટ ૨૮ સેકન્‍ડમાં ગિરનાર પર્વતના અંબાજી સુધીના ૫૫૦૦ પગથીયા ચડીને ઉતરી ગયા હતાં અને સિનિયર ભાઈઓની સ્‍પર્ધામાં ટોચનું સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું.  દિગંબર સિંઘ કહે છે કે, ગીરનાર આરોહણ સ્‍પર્ધામાં પ્રથમ વખત ભાગ લીધો અને પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે, આ સાથે જે સૌથી ઓછા સમયમાં આ સ્‍પર્ધા પૂર્ણ કરવાનો વિક્રમ પણ સ્‍થાપિત થયો છે. તેનો પણ તેણે આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.   દિગંબર સિંઘ કહે છે કે, હાલ રમત ગમતમાં એથ્‍લેટિક્‍સમાં આગળ વધવા માટે કોચ રૂપેશ યાદવના માર્ગદર્શનમાં જરૂરી ટ્રેનિંગ લઈ રહ્યો છું, તેમણે જ આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત પણ કર્યો હતો  ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં જૂનાગઢના લાલા પરમારનો ૫૫ મિનિટ ૩૦ સેકન્‍ડમાં આ સ્‍પર્ધા પૂર્ણ કરવાનો રેકોર્ડ હતો.   દિગંબર સિંઘ કહે છે કે, ગુજરાતના લોકો ખૂબ મિલનસાર સ્‍વભાવના હોય છે, અહીં દરેક બાબતે જરૂરી સહકાર મળ્‍યો છે અને વહીવટી તંત્રની વ્‍યવસ્‍થાઓ પણ બિરદાવી હતી. સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં  ઈન્‍ચાર્જ  જિલ્લા શિક્ષણાધિકારી  લતાબેન ઉપાધ્‍યાય, સિવિલ સર્જન ડો.પાલા, આર્યુવેદીક હોસ્‍પિટલના ચેતનાબેન કોડીનારીયા, ગિરનાર રોપ વેના  મેનેજર શ્રી બેદી, પીઆઈ શ્રી આર.કે.પરમાર સહિતના  અધિકારીઓના હસ્‍તે પુરસ્‍કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્‍યા હતા. સમારોહમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી  એન.ડી. વાળાએ કર્યું હતું. સ્‍પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્‍યાયામ મંડળના  શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્‍થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનુ સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.  અખિલ ભારતીય ગિરનાર સ્‍પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -૪ કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્‍ય સરકાર દ્વારા રૂ. ૧ લાખનો પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. ઉપરાંત ઉક્‍ત ચારેય કેટેગરીમાં ટોપ -૧૦માં સ્‍થાન પ્રાપ્ત કરનાર સ્‍પર્ધકોને કુલ રૂ.૧૯ લાખના પુરસ્‍કાર વિતરીત કરવામાં આવ્‍યા હતા.ગિરનાર સ્‍પર્ધામાં સ્‍પર્ધકોને ક્રેમ્‍પ્‍સ, સોજો આવી જવો, નસ ચડી જવી, કે પડી જવાથી છોલાઈ જવું જેવી સામાન્‍ય ઈજાઓ થઈ હતી. જેથી સિવિલ હોસ્‍પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્‍પર્ધકોની સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્‍લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્‍ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્‍યા હતા અને જરૂરી ડ્રેસીંગ પણ કરવામાં આવ્‍યું હતું. આમ, સ્‍પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી. અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં ઉત્તર પ્રદેશના વારાણસીની ત્રણ સગી બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી બે બહેનોએ બાજી મારી હતી. પ્રથમ ક્રમે રંજના યાદવ અને ચોથા ક્રમે બંધના યાદવ રહી હતી.  પ્રથમ ક્રમે રહેલી રંજના યાદવ કહે છે કે, અખિલ ભારતીય ગિરનાર આરોહણ આવરોહણ સ્‍પર્ધામાં ચોથી વખત ભાગ લીધો છે, આ પૂર્વેની ૩ સ્‍પર્ધામાં પણ ટોપ થ્રીમાં સ્‍થાન મેળવ્‍યું હતું. પ્રથમ વખત વર્ષ ૨૦૨૨માં ત્રીજો, ૨૦૨૩માં પ્રથમ અને ૨૦૨૪ માં બીજા ક્રમે વિજેતા રહી હતી. ધોરણ - ૧૧માં અભ્‍યાસ કરતી રંજના યાદવ વોકીંગ ચેમ્‍પિયનશિપમાં નેશનલ ખેલાડી રહી છે.  તેઓ જણાવે છે કે, રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે એથ્‍લેટિક્‍સની તૈયારીઓ કરી રહી છું, જેમાં ખાસ ૩૦૦૦ મીટર વોક રેસમાં આગળ વધવા માટે વિશેષ તૈયારીઓ કરી રહી છું. વધુમાં તેમણે કહ્યું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધાની પૂર્વ તૈયારીઓ માટે કાશી વિશ્વનાથ મંદિર અને ઘાટની સીડી પર પૂર્વ તૈયારીઓ કરી હતી.  રંજના, બંધના અને સાધના યાદવે ગિરનાર આરોહણ સ્‍પર્ધામાં ભાગ લેવાનો આનંદ વ્‍યક્‍ત કરવાની સાથે ગુજરાત અને જૂનાગઢના આતિથ્‍યને પણ વખાણિયું હતું.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મૂકેશ વાઘેલા જૂનાગઢ)

(2:10 PM IST)