<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરમા ગુજરાતના સંસ્કૃત જગતના વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને શાસ્ત્રીય શૈલીમાં ચિંતનશીલ પ્રવચન પ્રસ્તુત થયા :પોરબંદર શ્રી હરિ મંદિરે પાટોત્સવમા ધાર્મિક કાર્યો-માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પ યોજાયા

સાંદીપનિ વિદ્યા નિકેતનમાં લોહીની નસોનો નિદાન કેમ્પ,દંત ચિકિત્સા કેમ્પ,ભાગવતચિંતન શિબિર,સાંસ્કૃતિક કાર્યક્રમો સંપન્ન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ : પોરબંદરના સાંદીપનિ વિદ્યા નિકેતનમાં શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવ ૨૦૨૫ અંતર્ગત ધાર્મિક કાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

         પાટોત્સવના પ્રથમ દિવસે  સવારે સાંદિપની ગુરુકુળ ખાતે ગૌતમભાઈ ઓઝા,  મનસુખભાઈ જોશી (ઉપપ્રમુખ) મેડિકલ કોલેજ પોરબંદરના ડીન ડો.સુશીલ કુમાર, ડો.સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી અને કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર શ્રીઓ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા આ મહત્ત્વના બે મેડિકલ કેમ્પ સેવાયજ્ઞ ની "દીપ પ્રાગટ્ય" કરી શુભ શરૂઆત કરવામાં આવેલ.

આ કેમ્પમાં ગુજરાત વાસ્ક્યુલર સેન્ટર રાજકોટના સેવાભાવી સિનિયર સર્જન ડો. દેવેન્દ્ર  ડેકીવાડીયા, ડો. વઘાસીયા અને ટીમ દ્વારા કુલ ૧૫૮ દર્દીઓની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી. 

૨) ન્યુરો ફિઝિશિયન  કેમ્પ (મગજને લગતા રોગોનો  કેમ્પ):-

આ કેમ્પમાં રાજકોટના વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો ફિઝિશિયન ડો. આશુતોષ દુધાત્રા દ્વારા કુલ ૬૭ લાભાર્થીઓને ઘનિષ્ઠ રીતે તપાસવામાં આવ્યા.

કેમ્પમાં આવેલા લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ, ઈ.સી.જી (કાર્ડિયોગ્રામ) પણ કેમ્પના સ્થળ પર જ વિનામૂલ્યે  પુરા પાડવામાં આવેલ. સવારે ૯ કલાકથી સાંજના ૫ વાગ્યા સુધી સતત કેમ્પ ચાલુ રહ્યો હતો.

આ કેમ્પમાં પોરબંદરના અત્યંત સેવાભાવી એવા બે મેડિકલ ઓફિસર ડો. નિશા બહેન માખેચા અને ડો. બંસરી બહેન મદલાણી એ પણ પોતાની માનદ સેવા પૂરી પાડેલ. ઉપરાંત પાટોત્સવ માટે કલોલ થી આવેલ સિનિયર સિસ્ટર સરોજ બહેન ત્રિવેદી એ પણ પોતાની માનદ સેવા આપેલ હતી.

         આ બન્ને  કેમ્પની વ્યવસ્થા ઇંગ્લીશ મીડીયમ સ્કુલના સ્ટાફ દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવેલ. જેના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી દેવજીભાઈ ઓડેદરાએ સેવા પૂરી પાડેલ હતી.

શ્રીહરિ મંદિર પાટોત્સવના પ્રથમ દિવસથી જ  દંતયજ્ઞ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટ ગવરીદળ ના અત્યંત સેવાભાવી દંત વૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંત વૈદ્ય સરોજબહેન જોશી તેમજ ટીમ દ્વારા જાલંધર બંધ યોગ પદ્ધતિ દ્વારા ૬૯ લાભાર્થીઓને તપાસવામાં આવેલ અને તે પૈકી ૭૩ ટુથ એક્સટ્રેકશન પણ કરવામાં આવેલ. દંતયજ્ઞ દરમિયાન વ્યસનમુક્તિ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ કેમ્પ તા. ૦૪-૦૨-૨૫ સુધી ચાલુ રહેશે.

ઉપરોકત ત્રણેય કેમ્પના કોઓર્ડીનેટર તરીકે ડો. સુરેશભાઈ ગાંધી અને ડો. ભરતભાઈ ગઢવીએ માનદ સેવા પૂરી પાડેલ હતી.

શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવના બીજા દિવસે તા. ૦૩-૦૨-૨૫ ના રોજ સવારના સત્રમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરના બીજા સત્રનો શુભારંભ થયો હતો. જેમાં ગુજરાતના સંસ્કૃત જગતના વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને શાસ્ત્રીય શૈલીમાં ચિંતનશીલ પ્રવચન પ્રસ્તુત થયા હતા.  

ભાગવત ચિંતનશિબિરના બીજા સત્રમાં કથાકાર ઋષિ હર્ષિતભાઈ શુક્લ દ્વારા યુગલગીત પર, શંકરાચાર્ય અભિનવ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના આચાર્ય શ્રી કુલદીપભાઈ પુરોહિત દ્વારા "ભાગવત કા ઉપજીવ્ય વેદ",  જામનગરના ડૉ. અનિલભાઈ દ્વિવેદી દ્વારા "પરો હિ યોગો મનસઃ સમાધિ" પર  તથા બપોર પછીના ભાગવત ચિંતન શિબિરના ત્રીજા સત્રમાં કથાકાર ઋષિ ધવલભાઈ જોષી દ્વારા ભીષ્મ સ્તુતિ, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના આચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતા દ્વારા" શ્રીમદ્ ભાગવતે શબ્દાર્થ સૌન્દર્ય વિચાર" તથા પ્રસિદ્ધ કથાકાર ડૉ. મહાદેવપ્રસાદ મહેતા દ્વારા "સુદામા ચરિત્ર" વિષય પર પૌરાણિક ગ્રંથોના સંદર્ભો સાથે ચિંતનાત્મક શૈલીમાં પ્રવચન રજૂ થયા હતા.

આ પ્રવચન પ્રસાદનો પાટોત્સવમાં પધારેલા અતિથીઓએ તથા sandipani.tv યુ ટ્યુબ ચેનલના માધ્યમથી અનેક લોકોએ લાભ લીધો હતો.

શ્રીહરિ મંદિર પાટોત્સવના બીજા દિવસે રાત્રિના સાંદીપનિન ઋષિકુળના ઋષિકુમારો દ્વારા મનોરંજનપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

(9:30 AM IST)