News of Tuesday, 4th February 2025
બજેટમાં નવા ૯ મહાનગરો માટે વિકાસની વિશેષ યોજના
પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ વગેરે કોર્પોરેશનો ધમધમતા કરવા માટે મોટી જોગવાઇના પેકેજ તૈયાર થાય છે

રાજકોટ તા.૪: રાજય સરકારે રાજયમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા હવે મહાનગર તરીકે વિકાસ માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તા.૨૦ ફેબ્રુઆરીએ રજુ થનારા ગુજરાતના બજેટમાં નવા મહાનગરો માટે વિશેષ નાણાકીય જોગવાઇ સાથેની યોજના જાહેર થવાના નિર્દેષ સરકારી સુત્રો આપે છે. જુના ૮ મહાનગરોની સરખામણીએ નવા ૯ મહાનગરો ઝડપથી વિકસિત થાય તેવી સરકારની નેમ છે.
સરકારે મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર- વઢવાણ, ગાંધીધામ, આણંદ, નવસારી, વાપી, નડિયાદ અને મહેસાણાને મહાનગરનો દરજ્જો આપ્યો છે. દરેક નવી કોર્પોરેશનમાં મ્યુ.કમિશનરની નિમણુંક કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કે કોર્પોરેશન દિઠ રૂા.૨૦-૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. નવા મહાનગરોમાં સીમાકંન અને અનામત બેઠકોની ફાળવણી પૂર્ણ થયાં બાદ ચુંટણી આવશે. હાલ જે તે કલેકટરને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
નગરનું મહાનગરમાં રૂપાંતર થતા લોકોને વિકાસનો અહેસાસ થાય તે માટે સરકાર બજેટમાં વિશેષ પેકેજ લાવી રહી છે. મહેકમને અગ્રતા આપવામાં આવી છે. નવી કોર્પોરેશનોમાં જરૂર મુજબ નવી ભરતી થશે. આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવામાં આવશે. નગરને મહાનગરમાં ફેરવાતા તેને અનુરૂપ વહીવટી પધ્ધતિ ઉપરાંત જાહેર માર્ગો, બગીચા, પુલ, દવાખાના, સફાઇ, ગટર, ફાયર સ્ટેશન વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
