<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પોલીસની પરિક્ષા માટે દોડવાની પ્રેકટીસ કરતી કવીતાને બાઇકે ઉલાળતા પગમાં ફ્રેકચર

માળીયા હાટીનાના જુથળ ગામમાં બનાવઃ આઠ દિવસ પછી રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટરમાં કોન્‍સ્‍ટેબલની પરિક્ષા આપવાની હતીઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૪: માળીયા હાટીનાના જુથળ ગામમાં પોલીસની પરીક્ષા માટે દોડવાની પ્રેકટીસ કરતી યુવતીને અજાણ્‍યા બાઇકના ચાલકે હડફેટે લેતા યુવતીને પગમાં ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ માળીયા હાટીનાના જુથળ ગામમાં રહેતી અને હોમગાર્ડ તરીકે નોકરી કરતી કવીતા લાખાભાઇ રાઠોડ (ઉ.વ. રપ) પોલીસ કોન્‍સ્‍ટેબલની પરિક્ષાની તૈયારી માટે ગઇકાલે ગામમાં દોડવાની પ્રેકટીસ કરતી હતી ત્‍યારે કોઇ અજાણ્‍યા બાઇકના ચાલકે યુવતીને હડફેટે લેતા યુવતી ફંગોળાઇને ખાડામાં પડી જતા તેને જમણા પગ તથા પેટના ભાગે ઇજા થઇ હતી અકસ્‍માત સર્જી ચાલક બાઇક લઇ ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કવીતાને સારવાર માટે કેશોદ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી તેને જમણા પગમાં ફ્રેકચર હોઇ તેથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. કવીતા આઠ દિવસ બાદ તેની રાજકોટ મવડી હેડ કવાર્ટરમાં પરિક્ષા હતી. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:22 PM IST)