News of Tuesday, 4th February 2025
પોરબંદરને ફ્રી પોર્ટ બનાવવાનું વચન નરેન્દ્રભાઇ મોદી ભુલી ગયા
૧પ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી તરીકે પોરબંદર આવ્યા હતા ત્યારે જાહેર સભામાં ફ્રી પોર્ટનું વચન આપ્યું હતું જે આજ સુધીમાં પૂર્ણ થયું નથીઃ બારમાસી બંદરને ડાર્ક ઝોનમાંથી મુકત કરીને વિકાસ ધમધમતો કરવા માગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :.. બારમાસી બંદરમાં સગવડતા વધારવાને બદલે દિવસે દિવસે સમસ્યામાં વધારો થતો જાય છે. બારમાસી બંદરને લાંબા સમયથી ડાર્ક ઝોનમાં મુકી દેવામાં આવ્યું છે. આજથી ૧પ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોરબંદરમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા હતા અને તે સમયે એક જાહેર સભામાં પોરબંદરના બંદરને લગતા પ્રશ્નો હલ કરવા તેમજ પોરબંદરને ફ્રી પોર્ટ જાહેર કરવાનું આશ્વાસન અને વચન આપી ગયા હતાં. નરેન્દ્રભાઇ મોદી હાલ વડાપ્રધાન છે અને પોરબંદરને ફ્રી પોર્ટ જાહેર કરીને વિકાસ ઝડપી બનાવવાનું પોતાનું વચન યાદ કરીને આ વચન પૂર્ણ કરે તેવી માગણી થઇ રહી છે.
પંદર વર્ષ પહેલા નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોરબંદરની મુલાકાત લઇને ગુજરાત સરકાર અને નેવીની ભાગીદારીથી બનેલી કોમર્શીયલ જેટીનું લોકાર્પણ કર્યુ હતું. આ કોમર્શીયલ જેટીના લોકાર્પણ બાદ પોરબંદરને ફ્રી પોર્ટ બનાવવાનું વચન આપ્યું હતું પોરબંદરની બારમાસી જેટીનું સુવિધાપૂર્ણ બારુ છે વિદેશી મહાકાય સ્ટીમરો સીધી આવી શકે તેવી સુવિધા છે. પરંતુ પોરબંદરના બંદરનો ડાર્ક ઝોનમાં સમાવેશ કર્યો હોય અનાજ તે અન્ય વસ્તુની આયાત નિકાસ કંડલા બંદરની પોરબંદરથી થઇ શકતી નથી.
પોરબંદરનું બારુ, પુરતી ઉંડાઇ ધરાવે છે. બારમાસી બંદરમાં એક સાથે ચાર સ્ટીમર ડાબી અને જમણી લોડીંગ કરી શકે છે.
બારમાસી જેટીને લીધે હજારો લોકોને રોજગારી મળે છે. સરકાર પોરબંદરનો બંદરીય વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ આવે છે. પરંતુ જૂના અને બંદર ઉપર કયારેય નોંધનીય કામગીરી નહીં દેખાતાની લાંબા સમયથી ફરીયાદો છે.
પોરબંદરમાં અગાઉ પ્રાચીન સમયમાં મુસાફરો માટે કાર્ગો સર્વિસ ચાલતી હતી. આવી કાર્ગો સર્વિસ આફ્રિકા સુધી ચાલતી હતી. કહેવાય છે કે રાજકીય ડખલગીરીને લીધે પોરબંદર વિકાસ વિહોણું બનતું જાય છે. અને જે વિકાસ કામો થાય છે તેમાં મોટાભાગના નબળા કામની ફરીયાદો ઉઠે છે. દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને પ્રજા ઉપર ટેક્ષનું ભારણ વધતુ જાય છે.
પોરબંદરમાં સેમી ઇન્ટરનેશન એરપોર્ટ બનાવવા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આજનું એરપોર્ટ ધૂળ ખાય છે. એકપણ ફલાઇટ આવનજાવન કરતી નથી. અગાઉ મુંબઇ - દિલ્હી જવા વિમાની સેવા ચાલતી હતી જે બંધ થઇ ગયા બાદ આ બંધ વિમાની શરૂ કરવા માત્ર આશ્વાસનો મળે છે. આ વિસ્તારના રાજકીય નેતાઓનું કંઇ ઉપજતું નથી. પોરબંદરના બંદર વિકાસમાં ધ્યાન અપાય તો પોરબંદરનું વિશ્વભરમાં નામ ગુંજતું થાય તેમ છે અને ભૂતકાળમાં પોરબંદરે વિશ્વભરમાં નામ કાઢયું હતું.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
