તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 4th February 2025
ભાજપને ૮ સીટ બિનહરીફ મળતા હવે જુનાગઢ મનપાની ૫૨ બેઠક માટે મતદાન થશે
આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૪: જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે જેના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ મતદાન થાય છે એ પહેલા ભાજપને ૮ સીટ બિનહરીફ મળતા હવે ૫૨ સીટ માટે મતદાન યોજાશે.
સોમવારે શહેરના વોર્ડ નંબર ૩ના કોંગ્રેસના ઉમેદવાર પઠાણ હસીનાબેન નાસીરભાઈ, બ્લોચ મનાજબેન ઈકબાલ, પરમાર યોગેશ બીજલભાઇ અને પીરાણી અમીનભાઈ સતારભાઈએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા અને અહીં અન્ય ઉમેદવાર ન હોવાથી બેઠક બિલ હરીફ થવાથી ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે.
આ જ પ્રમાણે શહેરના વોર્ડ નંબર ૧૪ના કોંગ્રેસના ઉમેદવારો પાણખાણીયા પ્રવિણાબેન કિશોરભાઈ, જોષી આરતીબેન, જેઠવાણી ગીરીશભાઈ લખમણભાઇ અને રાડા નથુભાઈ કાનાભાઈએ પણ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ફોર્મ પાછા ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીને બિન હરીફ બેઠકો મળી છે.
દરમિયાન કોંગ્રેસે ભાજપ દ્વારા ડરાવી ધમકાવી અને લાલચ આપી ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવી હતી વિકાસની રાજનીતિ સાથે જોડાઈ ભાજપને ટેકો આપ્યો હોવાનો ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો હતો.
વોર્ડ નંબર ૧૨ના કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલે બક્ષીપંચ બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમણે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે આથી આજે સાંજ સુધીમાં ચૂંટણીના મેદાનમાં કોણ કોની સામે લડશે એ સ્પષ્ટ થઈ જશે.
જુનાગઢ ભાજપ ના પ્રભારી કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ભાજપ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતનાએ આઠ બેઠકો બિનહરીફ થાય તે માટે ઓપરેશન પાર પાડ્યું હતું.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
