<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગોંડલ પંથકની યુવતિએ જેતપુર ડીવાયએસપી કચેરી બહાર ઝેર પીધું: દૂષ્‍કર્મની ફરિયાદ ન નોંધાતા પગલુ

એક શખ્‍સ સહિત સાતેક જણા વિરૂધ્‍ધ આક્ષેપોઃ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૫: ગોંડલ પંથકની એક યુવતિએ જેતપુર ડીવાયએસપી કચેરી બહાર ઝેરી દવા પી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. યુવતિએ દવા મોઢે માંડી લેતાં અફડાતફડી મચી ગઇ હતી. તેણીને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. પોલીસ દૂષ્‍કર્મની ફરિયાદ લેતી ન હોઇ તેના કારણે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. સાતેક જણા સામે આક્ષેપ થયો હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ પંથકની યુવતીએ વાવડી વીડો ગામના શખ્‍સ સામે દૂષ્‍કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવા વીરપુર તેમજ જૂનાગઢ જવા છતાં ફરિયાદ ન નોંધતા આ યુવતીએ પૂર્વ જાણ મુજબ જેતપુર ડીવાય એસપી કચેરીએ પહોંચી ઝેરી દવા મોઢે માંડતા દોડધામ થઇ ગઇ હતી. ગોંડલ પંથકના ગામમાં રહેતી યુવતીએ મુખ્‍યમંત્રી, ગળહમંત્રી, જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને જણાવ્‍યું કે પોતાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્‍કર્મ આચર્યાની ફરિયાદ જુનાગઢ એ ડીવીઝન તથા વિરપુર પોલીસે લીધી નથી અને પોલીસ સ્‍ટેશનનાં ધક્કા ખવરાવ્‍યા છે. આથી ન્‍યાય નહીં મળે તો  વિરપુર પોલીસ સ્‍ટેશન અથવા એસપી કચેરી સામે આત્‍મવિલોપન કરીશ તેવો લેટર લખી ચીમકી ઉચ્‍ચારી હતી.

જેમાં યુવતીએ રજૂઆતમાં જણાવ્‍યું કે વાવડીના વીડો રહેતા શખ્‍સ  ઉપરાંત એક મહીલા સહિત સાત શખ્‍સોએ તા. ૨૦/૧૨/૨૪નાં મારું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારું અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્‍તારમાં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્‍યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્‍કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય. જેથી મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્‍હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે. ત્‍યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ગઈ હતી. પરંતુ ત્‍યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્‍ય જવાબ નહી આપી ધક્કા ખવરાવતાં હોય. આખરે મારે ન્‍યાય માટે આત્‍મવિલોપન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું લેટરમાં પણ જણાવ્‍યું હતું.

 એ પછી આ યુવતીએ ગઇકાલે જેતપુર ડીવાયએસપી કચેરીએ પહોંચી ઝેરી દવા મોઢે માંડી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ યુવતીને સારવાર માટે સરકારી હોસ્‍પિટલે લઇ જવાઇ હતી. યુવતિ સાથે અવાર-નવાર દૂષ્‍કર્મ આચરાયુ હોવા છતાં ગુનો દાખલ નહિ થતો હોવાનો આક્ષેપ થયો હતો. યુવતીના પરિવારએ વીરપુર પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ આરોપીને છાવરી રહી છે અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્‍યારે ભાગી જઈ શકે. યુવતીના પરિવારજનોએ દુષ્‍કર્મ મામલે તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. વધુ સારવાર માટે યુવતિને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

(11:01 AM IST)